પ્રતિનિધિ ગોધરા તા.27
વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડાંગરના ધરૂની રોપણી પુરજોશમાં

હવામાન વિભાગની આગાહી મુજબ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા સહિત પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ આગાહી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા, મોરવા હડફ, હાલોલ, કાલોલ સહિત ગોધરા શહેર અને આસપાસના ગામડાઓમાં મધ્યરાત્રીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી નદીઓ, નાળાઓ અને તળાવો છલકાઈ ગયા છે અને ઘણા વિસ્તારોની નદીઓમાં નવા નીર વહેતા થયા છે.
અચાનક શરૂ થયેલા આ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો હવે ડાંગરના ધરૂની રોપણી ઝડપથી કરી રહ્યા છે. જે ખેડૂતોએ અગાઉ રોપણી કરી હતી તેમના પાકને પણ આ વરસાદથી જીવનદાન મળ્યું છે. પંચમહાલ જિલ્લાની મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી આ સમયસરનો વરસાદ ખરીફ પાકો, ખાસ કરીને ડાંગર અને મકાઈ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે જેનાથી સારા પાકની આશા બંધાઈ છે.
ગોધરા શહેરની આસપાસની નદીઓ છલકાઈ ગઈ છે અને અનેક તળાવો પણ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. જોકે વરસાદના કારણે ગોધરાના મુખ્ય માર્ગો સહિત અન્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે બીજી બાજુ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા છે. આ પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસ સુધી પંચમહાલ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને મંગળવાર, 29 જુલાઈના રોજ વરસાદની શક્યતા વધુ છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.