નવા શૈક્ષણિક સત્ર વર્ષ 2025-26નો પ્રારંભ થયો છે. વિરામ બાદ ફરી બાળકોના કિલ્લોલથી ખીલી ઉઠી છે. હવે સરકારી, સહકારી નેતાઓ અને કહેવાતા બુદ્ધિજીવીઓ માટેનું સસ્તું ઓડિયન્સ ફરી પાછું તેઓને મળી જશે. અનેક શાળાઓમાં બાળકોની કક્ષાથી ઉપરનું વિચારતા બૌદ્ધિક કહેવાતા તજજ્ઞોને બોલાવી કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. બાળકોને કલાકો સુધી બેસાડી રાખી વોશરૂમ જવું હોય તોય શિક્ષક આંખો કાઢી એને બેસાડી રાખવા મજબુર બનતા હોય છે. બાળકો સામે મહાભારત, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથો કે પછી મોટા ફિલોસોફર કે મોટા દર્શન શાસ્ત્રીઓના ઉચ્ચ વિચારોની વાતો થશે ક્યાંકતો નેતાઓ વગર કામનું ભાષણ જેને બાળક સાથે કઈ લેવા દેવા નથી તેવું ભાષણ બકી બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતા જોવા મળશે.
એક તરફ નાના મગજમાં મોટી મોટી વાતો અને બીજી તરફ પેશાબ દબાવીને વોશરૂમ માટે કકળતું બાળક જોવા મળશે. ત્યારે શાળાઓ બાળકોની કક્ષા જોઈ તેઓની ક્ષમતા જાણી કાર્યક્રમો ગોઠવે તો બહુ મોટી વાત કહેવાશે. શાળાઓમાં જ્ઞાન વર્ધક તેમજ બાળકોને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો થવાજ જોઈએ પણ કોઈની મહત્વકાંક્ષા સંતોષી ભાષણબાજી અને બાળકોની કક્ષા ઉપરની અને સમજ ન પડે એવી ગોષ્ઠી બાળકો ઉપર અત્યાચારજ કહેવાશે એવું મારું અંગત માનવું છે.
કીમ – દત્તરાજસિંહ ઠાકોર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.