બાઈકને બ્રેક મારતા પાછળથી અજાણ્યા વાહનની ટક્કર
બાઇક પર સવાર બે પૈકી એકનું મોત, અજાણ્યો વાહનચાલક ફરાર
વાઘોડીયા:;
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર રાત્રિ સમયે બનેલા અકસ્માતમાં બાઇક સવાર બે યુવકો પૈકી એકનું મોત નિપજ્યું છે, જ્યારે બીજા યુવકને ઇજા પહોંચી હતી. ગાયને બચાવવા અચાનક બ્રેક મારતા પાછળથી આવેલા અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને સ્થળેથી ફરાર થયો હતો.
ફરીયાદી નિલેશભાઈ કુબેરભાઈ સોનારા (રહે. ગાયત્રીનગર, માણેજા), જે એસ.આર.પી. ગ્રુપ–18, કેવડિયા ખાતે પોલીસ ફરજ બજાવે છે, તેઓ તેમના મિત્ર સંજયભાઈ અર્જુનભાઈ કનોજીયા સાથે 10મી ફેબ્રુઆરીની રાતે સોલાર પ્લાન્ટ સાઇટ નજીક નાસ્તો લેવા નીકળ્યા હતા. રાત્રે પોણા દસ વાગ્યે નિમેટાથી ચંપાલીયાપુરા તરફ જતા, બંગલી પાસે રોડ પર અચાનક એક ગાય આવી ચઢતા નિલેશભાઈએ બાઈક પર બ્રેક મારી હતી.
ત્યારે જ પાછળથી ઝડપથી આવતા અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા બંને નીચે પડી ગયા હતા. અકસ્માત બાદ વાહનચાલક ઘટના સ્થળેથી તરત ભાગી છૂટી ગયો હતો.
ઇજાગ્રસ્ત સંજયભાઈને માથામાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. નિલેશભાઈને ઘૂંટણ અને ખભામાં ઇજા થઈ હોવાને કારણે તેઓને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
વાઘોડીયા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધ્યો છે અને અજાણ્યા વાહનચાલકની ઓળખ તથા વાહન શોધવા માટે તપાસ શરૂ કરી છે.