સમગ્ર વિસ્તારમાં તદ્દન ઓછા પ્રેશર થી પાણી મળતા પ્રજામાં આક્રોશ
ભર ઉનાળે ત્રણ દિવસથી લાખો લીટર પાણીનો વેડફાટ
વડોદરા: મહીસાગર નજીક ફાજલપુરથી શહેરમાં આવતી પાણીની મુખ્ય લાઈનમાં ત્રણ દિવસ પહેલા ભર બપોરે એકાએક ભંગાણ સર્જાયું હતું. પાઇપ લાઇનમા એટલી મોટી તૂટફુટ હતી કે ગણતરીના સમયમાં જાહેરમાર્ગ પર પાણી જ પાણી ફરી વળ્યા હતા. ભર ચોમાસે વરસતા વરસાદ મા જ પરિસ્થિતિ જોવા મળે તે હદે જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે સ્થાનિક લોકો એ તુરંત પાલિકા તંત્ર ને જાણ કરતા જ ટીમો દોડી ગઇ હતી. અને યુદ્ધના ધોરણે ફીડર લાઇનમા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ પાણી રોકી શકાયું નથી.
પાલિકાનો ટેકનિકલ વિભાગની ટીમે ત્રણ દિવસ થી ધોધમાર વેડફાતા પાણીની લાઈન પર કપલિંગ લગાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી પાછળના 8 થી 10 દિવસ થી તદ્દન ઓછા પ્રેસરથી પાણી મળતું હતું. તેમાં પાઇપ લાઇન ના ભંગાણ ની સમસ્યા સર્જાતા આસપાસની પાણીની 4 ટાંકીઓ નું પાણી પણ પૂરું થઈ ગયું હતું. હાલ મા પણ સમારકામ પૂરું નહીં થવાથી ભર ઉનાળાની ગરમીમાં સ્થાનિક લોકોને પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે.
કાલ સાંજ સુધી મા રીપેરીંગ પૂરું થવાની શક્યતા: કોર્પોરેટર
વોર્ડ નંબર 2 ના નગરસેવક ભાણજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ફ્રેન્ચવેલ ની લાઈન ચાલુ હોવાથી ભંગાણ વાળી લાઈનમાં પ્રેશર ઘટતું નથી. જેના કારણે પાણી સતત વહી રહ્યું છે. હું લાઇન પાસે સતત હાજર રહું છું. ભંગાણ મોટું હોવાથી પહેલા પાણી બંધ કરવું પડશે. ત્યાર બાદ જ રીપેરીંગ શરૂ કરવામાં આવશે બને ત્યાં સુધીમાં કાલ રાત્રે કામગીરી પૂરી થવાની શક્યતા છે.
