ગત તા. ૧૧, ફેબ્રુઆરીના રોજ ટી.વી. ન્યૂઝ ચેનલ આયોજિત એક મુલાકાતમાં, દેશના સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને રાજયસભાના વર્તમાન સભ્ય રંજન ગોગોઇએ લોકશાહીનો ત્રીજો સ્તંભ એટલે કે ન્યાયતંત્ર સંદર્ભે અભિપ્રાય આપતાં કહ્યું હતું કે ‘ભારતનું ન્યાયતંત્ર વેરવિખેર છે.
પીડિત વ્યકિતને અદાલતમાં ન્યાયને બદલે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગત બજેટ મુજબ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશનું અર્થતંત્ર ૦૫ ટ્રિલિયન ડોલર (અંદાજીત રૂા. ૩.૬૮ લાખ અબજ) સુધી પહોંચાડવું હોય તો, દેશમાં ન્યાયતંત્રને સુધારવાની જરૂર છે.’ તેમના આ નિવેદન પર સાર્થક સહમતિ આપવી ન્યાયી અને વાજબી ગણાશે.
કારણ કે દેશના ન્યાયતંત્રની સાંપ્રત સ્થિતિનું સિંહાવલોકન કરીએ તો, જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ દેશની ૬૭૨ જિલ્લા અદાલતોમાં ૩.૭૫ કરોડ, ૨૫ વડી અદાલતોમાં ૫૬ લાખ અને સર્વોચ્ચ અદાલતમાં ૬૬.૦૭૨ કેસ પડતર હતા. જેમાં અંદાજિત ૭૦% થી વધુ કેસ તો ફોજદારીના હતા.
નીતિ આયોગના ‘સ્ટ્રેટિજી ફોર ન્યૂ ઇન્ડિયા ૅ ૭૫’ રિપોર્ટ મુજબ, દેશની અદાલતોના પડતર કેસોનો ચુકાદો આપવામાં અંદાજિત ૩૨૪ વર્ષ લાગી શકે છે. દેશના ન્યાયતંત્રની પ્રસ્તુત અસ્તવ્યસ્ત સ્થિતિની સુધારણા અર્થે વિશેષજ્ઞોએ આપેલા અભિપ્રાયો મુજબછ ૦૧. ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ અંતર્ગત પોલીસને સીધી એફ.આઇ.આર. દાખલ કરવાનો કોઇ હક ન હોવા છતાં પણ, દેશનાં તમામ રાજયોમાં નાના-મોટા કેસોમાં લાખો અપરાધિક કેસો નોંધી લેવાય છે.
દેશની સર્વોચ્ચ અદાલત આ બાબતને અયોગ્ય ગણવાનો આદેશ બહાર પાડે તો, પોલીસ, જનતા અને અદાલતોને કારણ વગરના કેસોના બોજામાંથી મુકિત મળી શકે તેમ છે. ૦૨ દેશમાં અંદાજિત ૧૮૦૦ કેસો છેલ્લાં ૭૦ વર્ષથી, ૦૧ લાખથી વધુ કેસ છેલ્લાં ૩૦ વર્ષથી અને ૬૦ લાખથી વધુ કેસ છેલ્લાં ૦૫ વર્ષથી પણ વધુ જૂના છે. આ મામલે જૂના પડતર કેસો પર પહેલાં અને નવા કેસો પર પાછળથી સુનાવણી થાય તો, સાચા અર્થમાં અદાલતોમાં સમાનતા અને કાયદાનું શાસન લાગુ થઇ શકશે.
૦૩. હાલમાં દેશની નીચલી અદાલતોમાં ૬,૨૨૪ અને વડી અદાલતોમાં ૪૦૪ ન્યાયાધીશોની જગ્યા ખાલી છે તેમજ છેલ્લાં ૦૨ વર્ષથી દેશમાં ૨૨ મા નિધિ આયોગનું સ્થાપન પણ થયું નથી. જો ત્વરિત ધોરણે આ ખાલી જગ્યાઓ ભરાય તો ન્યાયની ક્રિયા ઝડપી અને પડતર કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય. અને છેલ્લે ૦૪. વડી અને સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક કોલેજિયમ પ્રણાલીથી થાય છે, જેને આ અદાલતે પોતાના ચુકાદામાં દોષપૂર્ણ અને સડેલી કહી હતી.
પરંતુ છેલ્લાં ૦૬ વર્ષથી આ પ્રણાલીને સુધારવા અને તે માટેના મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરમાં ફેરફાર કરવા અંગે, સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે સહમતિ સધાતી નથી. ઇચ્છીએ કે ઉપરોકત સમગ્ર મામલે ત્વરિત ધોરણે પગલાં લઇને, દેશના ન્યાયતંત્રનું સ્વરૂપ સુગ્રથિત, સુસંકલિત અને સુવ્યવસ્થિત કરવામાં આવે.
સુરત -પ્રા. જે.આર. વઘાશિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.