Vadodara

નવાપુરામાં ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્ષ થતાં દૂષિત પાણી આવ્યું

*શહેરના નવાપુરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દૂષિત પપીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યા મુદ્દે સ્થાનિકોમાં રોષને પગલે આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળ મુલાકાત લીધી*

*ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થતા દૂષિત પાણી આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું*



*દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટીના બનાવો બની રહ્યાં છે.*



(પ્રતિનિધિ) વડોદરા તા. 18


એક તરફ શહેરમાં કોલેરા, શરદી તાવ, ઝાડા ઉલટી અને વાયરલ તાવનો વાવળ ચાલી રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે જેને નાથવામા તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે બીજી તરફ શહેરના નવાપૂરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળુ પાણી આવી રહ્યું છે. તેમજ ડ્રેનેજની લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતા ઠેર ઠેર લીકેજ થયા છે. જેથી નવી ડ્રેનેજ લાઈન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે, પણ કોઇ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થતા દૂષિત પાણી આવે છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટીના બનાવો બની રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળુ પાણી આવી રહ્યું છે. જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે. જેના કારણે પૈસા ખર્ચીને વેચાતું પાણી મંગાવવું પડે છે. સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો કરી છતાં કોઇ નિવેડો આવ્યો નથી. લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે. દૂષિત પાણીને લઇ વોર્ડ નં.13ના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું. 80 હજાર વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે. તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસીટી પણ વધારાતી નથી. ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી જેને લઇ વડોદરા મહા નગર પાલિકા ના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ના મ્યુનિ. કાઉન્સિલર જાગૃતિ બેન કાકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યું. કમીશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top