ગરબો એટલે જીવતરનું સાંસ્કૃતિક સૌભાગ્ય..! ગરબો જોવાનો ગમે, ગરબામાં જોડાવાનું ગમે, નાચવાનું ગમે, સાંભળવાનો ગમે, અને ગાવા ગવડાવવાનું પણ ગમે. ગરબાનો રંગ જ એવો..! ખેલૈયો, ચોકમાં હોય કે હોસ્પિટલના ખાટલે, ભલે ને દવાના બાટલા ચઢાવ્યા હોય..! સૂતાં સૂતાં પણ બાજુવાળા દર્દી સાથે ત્રણ તાળીની હીંચ નહિ લે ત્યાં સુધી એને ટાઢક નહિ વળે..! કોઈ દર્દીનો ખાટલો નવરાત્રીમાં ધ્રૂજતો દેખાય, તો એવું માનવાની ભૂલ નહિ કરવી કે, ભાઈને ટાઢિયા તાવની ધ્રુજારી ચઢી છે. ગરબાના નાદનો આધ્યાત્મિક પવન પણ ભરાયો હોય..! ગરબામાં એ જાદુ છે કે, ઘૂંટણના ભલે ગોટા વળી ગયા હોય, પણ નવરાત્રી આવે એટલે પતંજલિનો પાવર આવી જાય..!
નવરાત્રી એટલે ગુજરાતીનો શ્વાસ અને ધબકાર..! શ્રધ્ધા અને સુસવાટા..! પછી ભલે ને, ગરબો ગાતાં ગાતાં ઘૂંટણમાંથી કટક..કટક..કે કડડડડ અવાજ આવે..! આવું થાય તો માનવું કે, નવરાત્રી ઉપર કાલરાત્રીની ઘાત બેસવાની..! યોગ અને કસરત સાથે જેમણે આભડછેટ રાખી હોય તેમને જ સમજાય કે, આ કટક..કટકની પીડા કેવી વેદનાગ્રસ્ત હોય..! રાજા હરિશ્ચન્દ્ર જેવી હાલત થઇ જાય..! સાર એટલો જ કે, ઉંમરના આંકડા અડધી કાઠીએ પહોંચી ગયા હોય ત્યારે, ગરબે ઘૂમવાના અગનખેલ નહિ કરવાના..! હરણના ટોળામાં વાંદરું ઘૂસી ગયું હોય, એવું લાગે..! એ વખતે માત્ર મગજ જ ગોળ ગોળ ફરતું હોય, બાકી, ટાંટિયામાં કોઈએ ખીલા ઠોકી બેસાડ્યા હોય એમ, પગ તો જમીન સાથે જ ચોંટેલા હોય..!
ગરબો એટલે ‘માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને’ એવી માયાજાળ છે. આતંકવાદીનો સીધો સંબંધ દુશ્મન દેશ સાથે હોય એમ, ગરબાનો સીધો સંબંધ ઘૂંટણ સાથે હોય. ઢીંચણ ઉપર આખું નાળિયેર વધેરો કે સાત વારની ચૂંદડી વીંટાળો, તોફાને ચઢેલું ઢીંચણું ભાનમાં જ નહિ આવે..! ઢીંચણમાંથી જ જીવ ગતિ કરવાનો હોય,એમ ઢીંચણું કઅઅકઅડ….. કઅકઅઅડ થવા માંડે..! ચીસ પડાવી નાંખે યાર..? એ તો સારું છે કે, ‘એક ઉપર એક ફ્રી’ની માફક ભગવાને બબ્બે ઢીંચણાં આપેલાં છે.
એક બગડે તો બીજું મદદે આવે..! પણ એવી સમજદારી ઢીંચણામાં હોતી નથી. એક ઢીંચણું બેઠું એટલે બીજું પણ બેસી પડે..! બબ્બે વાઈફ સહન થાય, પણ ઢીંચણાં સહન નહિ થાય. અમારો ચમનિયો બબ્બે વાઈફ લાવેલો. એટલા માટે કે, એક એને ઝપેટે તો બીજી બચાવે. એના કપાળમાં કાંદા ફોડું, થયું એવું કે, હવે એક પકડી રાખે ને બીજી મારે..!’ આ તો ગમ્મતની વાત..! મગજમાં એક ફાંકો રાખવાનો કે, દાંત ગબડી પડે તો ચાલે, ટાલ પડી જાય તો પણ ચાલે, ઘૂંટણીઆ ધ્વંસ થયા તો ગયા કામથી..! બેડરૂમથી વોશરૂમ સુધીનો પ્રવાસ પણ લાંબો લાગે..!
ગરબા ગાવાનો હોંશલો હોય તો, ઘૂંટણિયાં જ ઠેકાણે રાખવાનાં. ઘૂંટણિયાને ગ્રહણ લાગ્યું તો, માતાજી પણ મદદે નહિ આવે. બીજું, પેટને સમતોલ રાખવાનું..! બિનઅધિકૃત દબાણ શરીરમાં નહિ કરવાનું. નહિ તો પેટનું નામ ટેકરો પડી જાય. શરીર ઉપર ‘એર-બેગ’ ફીટ કરેલી હોય એવું લાગે..! આમ તો કંઈ નહીં, પણ કોનો પગ આપણા પગને લોહીલુહાણ કરી ગયો એ જોવા નહિ મળે..! આંખ આડા કાન થાય, પણ આંખ આડે પેટ આવે તો નહિ પોષાય. ‘ઘૂંટણ-દર્શન’નહિ થાય..! જીવતા બોંબ બાંધીને ગરબો રમવા નીકળ્યા હોય એવું લાગે..! ગભરાટ છૂટે યાર..! ગરબામાંથી બહાર ફેંકાઈ જવું પડે.
દેશનિકાલ સહન થાય, પણ ‘ગરબા-નિકાલ’ સહન નહિ થાય..! ‘એક્ચ્યુલી’નવરાત્રીના આયોજકોએ, ઘૂંટણનાં ફીટનેસ સર્ટીફીકેટ લઈને જ ગરબામાં ‘એડમિશન’ આપવાં જોઈએ. એટલા માટે કે, જેના તંદુરસ્ત ઘૂંટણ છે એ તો હેરાન નહિ થાય..! સારું છે કે, ગરબામાં દાંત કચકચાવીને ગાવાનો રિવાજ નથી. દાંતો મુખત્યાગ કરે તો, ભલે કરે, દાંતનાં ચોગઠાં સાથે પણ, ગરબો ખેંચાય. ગરબાની આખી કડી નહિ બોલો ને, નાસતા ભૂતની ચોટલીની માફક છેલ્લે ‘લોલ’ બોલો તો પણ માતાજીને ખોટું નહિ લાગે..! માતાજી પાસે ગરબો ગાતાં એટલું જ માંગવાનું કે, ‘તું કાળી ને કલ્યાણી મોરી માત, ઘૂંટણને સલામત રાખજે રે લોલ..!”
સમય સાથે બધું બદલાતું ચાલ્યું મામૂ..! આજે ચાચર ચોકને બદલે, પાર્ટી પ્લોટ આવ્યા. શ્રધ્ધાળુ મનને બદલે, એન્ટ્રીપાસ’ આવ્યા. તેલના દીવડાઓનું સ્થાન ઝાકમઝોળ તોરણોએ લીધું. માતાજીને બદલે, માનુનીને રાજી રાખવાના ખેલ વધ્યા. પ્રસાદ કરતાં ખાણી-પીણીના ખેલ વધ્યા, ત્રણ તાળીના ગરબાને બદલે ફિલ્મી સ્ટાઈલનાં સ્ટેપનાં ચલણ આવ્યાં. ખેલૈયાના વેશ-પરિવેશ જોતાં તો એમ જ લાગે કે, આપણે નવરાત્રીને બદલે ફેશન-શોમાં આવ્યા કે શું..? જે હોય તે, શિવરાત્રી હોય, કાલરાત્રી હોય કે, નવરાત્રી એની આવન-જાવનમાં જ જિંદગી પૂરી કરવાની છે મામૂ..!
જુઓ ને..? હજી ગઈ કાલે તો નવરાત્રી ગઈ, ને વળતી ટ્રેનમાં પાછી આવી પણ ગઈ..! હજી ગઈ નવરાત્રીના ચણિયા-ચોળી-ધોતિયાં-ચોરણાં તો સુકાયાં પણ નથી, ત્યાં તો ફરી બૂમ પડી, ‘એઈઈઇ હાલોઓઓઓ…!’એમાં અમારો ચમનિયો એટલે ગરબાનો ખેલાડી..! ગરબાના ભારે ચહકડા..! નવરાત્રી આવે તે પહેલાં તો ઘૂંટણના બોલ-ચાકા ફીટ કરાવવા માંડે..! નાચે ત્યારે નાચતો છે કે, સળગતાં અંગારા ઉપર ‘ડેન્સ’ કરતો છે, એ જ નહિ સમજાય..! ગરબાનો એવો રસિક જીવડો કે, ગરબો ગાવા, ગવડાવવામાં, ગળાં ભલે ફાટી જાય, પણ હોંશલો નહિ ફાડે..! બેફામ મજૂરી કરવા છતાં, હરામ બરાબર જો એકાદ કચકડાનો કપ કે રકાબી પણ લાવ્યો હોય તો…!.
આજકાલ નવરાત્રીની બોલબાલા છે દાદૂ..? વસવસો થાય કે, મોડાં જન્મ્યાં હોત તો સારું થાત..! સાલો…. જીવવા ને જાણવા જેવો જમાનો તો હવે આવ્યો..! નવરાત્રીનો સિનારિયો જોઇને મન લટકો તો કાઢે, પણ ઘૂંટણ આડા ફાટે..! આજુબાજુ કેમેરા ગોઠવવા જાય કે, ઘૂંટણ સાચવવા..? ઢીંચણ પાકી ગયા હોય, સુગર બ્લડપ્રેસર ને કોલેસ્ટ્રોલ સાથે શરીરને સંબંધો બંધાઈ ગયાં હોય ત્યારે, માણસ મથે, મથે ને કેટલું મથે..? પારોળીએ બેસીને ‘ઢીંચણ ઉપર જ થાપ આપીને ‘લોલ’ બોલવું પડે. ભલે કોઈ પારોળી ભક્ત કહી જાય…! જય માતાજી બોલી દેવાનું..!
શરીરમાં ઠાંસી-ઠાંસીને ‘’ઈમ્યુનીટી” ભલે ઉભરાતી હોય, પણ ચાલુ ગરબામાં ઘૂંટણ ‘ટણક’ મારે ત્યારે, નહિ દાંડિયું સચવાય કે, નહિ ગરબાનો તાલ સચવાય..! એમાં જો ભેદી ખંજવાળ નીકળે ત્યારે તો, ચોક્કસ જગ્યાએ વીંછુડો ચટકા ભરતો હોય એવું લાગે. દાંડિયું વચગાળાની રાહતનું સાધન બની જાય.ચાલુ ગરબાએ ખણવાની ક્રિયા વાનરવેડા જેવી તો લાગે, પણ કરીએ શું..? જોડીદાર ભલે જીગરજાન હોય, પણ ચાલુ ગરબાએ ખંજવાળ ખણી આપવા માટે, કાલાવાલા થોડાં કરાય..? ચાલુ ગરબામાં ખંજવાળવું એટલે, ખાડા ટેકરા ઉપર બાઈક ચલાવતાં-ચલાવતાં ‘સેલ્ફી’ લેવા જેટલું અઘરું..! ગળું ગમે એટલુ સુરીલું હોય, ઘૂંટણમાં દમ ના હોય તો, ગરબો પણ ગબડે..! એના કરતાં મોતના કૂવામાં મોટર સાઈકલ ચલાવેલી સારી..! નહિ તો ચાલુ ગરબાએ ‘લોલ’ થઇ જવાય..!
ઘૂંટણ બૂરી ચીજ હૈ ગોંસાઈ..! ગરબે ઘૂમવું હોય તો ઘૂંટણ સાથે ‘ગર્લફ્રેન્ડ’ જેવાં સુંવાળા સંબંધ રાખવા જ પડે. જેમ ‘ગર્લ-ફ્રેન્ડ’ની ઓળખ વફાદારીમાં થાય, એમ ઘૂંટણની ઓળખ ગરબામાં થાય..! ખમતીધર ખેલૈયાનું સાચું ડહાપણ એમાં છે કે, નવરાત્રી પહેલાં ઘૂંટણના સમારકામ કરાવ્યા પછી જ કુંડાળામાં પગ મૂકવો ..! જેથી ગ્રહણ વખતે સાપ નહિ નીકળે..!
લાસ્ટ ધ બોલ
તમે અયોધ્યામાં રહો કે લંકામાં એ મહત્ત્વનું નથી. પણ તમારી મથરાવટી વિભીષણ જેવી છે કે, મંથરા જેવી એ મહત્ત્વનું છે..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.