રાહુલ યાદવનો કાલોલ નજીક કેનાલમાંથી મૃતદેહ મળતાં પરિવારજનોમાં શોક, બીજા શિક્ષકની શોધખોળ યથાવત
વડોદરા: વડોદરા–હાલોલ રોડ પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં બે દિવસ અગાઉ શહેરની એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના બે શિક્ષકો મોડી રાત્રે ડૂબી જવાની ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. બનાવની જાણ થતાં જ જરોદ પોલીસ અને હાલોલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ શોધખોળ દરમિયાન આજે એક શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ કાલોલ નજીક આવેલી કનેટિયા નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવ્યો હતો.

મૃતદેહ બહાર કાઢતા જ ઘટનાસ્થળે હાજર પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીન માહોલ છવાઈ ગયો હતો.
મૃતદેહ મળ્યાની જાણ થતાં કાલોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ રાહુલ યાદવના મૃતદેહને કાલોલની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

બીજા શિક્ષક શુભમની હજુ સુધી કોઈ ખબર ન મળતાં ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા કેનાલમાં શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ ઘટનાથી રાહુલ યાદવના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે અને સમગ્ર વિસ્તાર દુઃખની લાગણીમાં ગરકાવ થઈ ગયો છે.

આ બનાવે ફરી એકવાર નર્મદાની મુખ્ય કેનાલ પાસે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને સાવચેતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.