નડિયાદ: નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ઓછો થતો નથી. જેના કારણે સામાન્ય પ્રજામાં નારાજગી ઉભી થઈ છે.
નડિયાદ શહેરમાં રખડતા ઢોરોને હટાવવા મુદ્દે નગરપાલિકા પ્રશાસન પાસે હજુ પણ કોઈ ચોક્કસ રોડમેપ ન હોવાનું ઉડીને આંખે વળગી રહ્યુ છે. તંત્રના જણાવ્યા મુજબ સવારે અને સાંજે ઢોર પકડ ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિઝીટ કરી ઢોરોને પકડવામાં અને હટાવવામાં આવે છે. જો કે, બીજીતરફ અનેક રોડ-રસ્તા પર ગાયોના ટોળા જોતા તંત્રની નીતિ ઢોર માલિકો સામે નબળી પડી રહી હોવાનું દેખાઈ રહ્યુ છે.
નડિયાદ શહેરના પવનચક્કી રોડ પર રહેણાંક મકાનો અને કમર્શિયલ વિસ્તાર સહિત સરકારી એકમો અને જાહેર સ્થળો આવેલા છે. અહીં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે. પવનચક્કી રોડ પર જિલ્લા આરોગ્ય વિભાગથી માંડી આગળ પાલિકા દ્વારા બનાવાયેલા ગાર્ડન અને ત્યાંથી આગળ પુનિત કોલોની સુધીના રસ્તા પર ઠેર-ઠેર ગાયોનો જમાવડો જોવા મળી રહ્યો છે. દરેક ચાર રસ્તા પાસે અને જાહેર માર્ગો પર વચ્ચોવચ રખડતા ઢોરોના ટોળેટોળા વળી જતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બને છે.
આ તરફ મુખ્ય પ્રવેશદ્વાર સમા મીલ રોડના સર્કલ પાસે પણ સમી સાંજે અને વહેલી સવારે રખડતા ઢોરોનો જમાવડો થયેલો હોય છે. તો કબ્રસ્તાન ચોકડીથી ચકલાસી ભાગોળ અને સંતરામ રોડથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર પણ ગાયોનો ત્રાસ જોવા મળે છે. ત્યારે એકતરફ જ્યાં પ્રશાસન દ્વારા દિવસમાં બે વાર ઢોર પકડ ટીમ કામગીરી કરતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેની સામે પરીસ્થિતિ જોતા પ્રશાસનની નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેમ છે. આ મામલે તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.