Nadiad

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકીની સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે બદલી

સવા વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર
(પ્રતિનિધિ) નડિયાદ. તા.25
નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા જી એચ સોલંકીની રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માત્ર 1 વર્ષ અને 3 મહિનાના ટૂંકા ગાળામાં તેમની બદલી થતા પાલિકા વર્તુળોમાં ચર્ચા જાગી છે, જોકે હાલમાં તેમના સ્થાને નવા કમિશનરની નિમણૂક બાકી રખાઈ છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ નડિયાદમાં કાર્યરત જી એચ સોલંકી હવે સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સંભાળશે. નડિયાદ મહાનગરપાલિકામાં તેમના સવા વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે 2 બજેટ રજૂ કર્યા હતા. પાલિકામાં ચાલતા આંતરિક રાજકારણ અને વિવાદો વચ્ચે પણ તેમણે તટસ્થ રહીને વહીવટ ચલાવ્યો હતો. ખાસ કરીને સફાઈ કામદારોના આંદોલન સમયે તેમણે જે રીતે પરિસ્થિતિ સંભાળી હતી તે વહીવટી કુશળતાનો પરિચય આપે છે. શહેરમાં વર્ષોથી ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સોલંકીએ કડક પગલાં લીધા હતા. નગરપાલિકા સમયથી એક જ જગ્યાએ જામી પડેલા અનેક અધિકારીઓ અને કર્મચારીઓના વિભાગો બદલી નાખીને તેમણે વહીવટી તંત્રને ગતિશીલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજકીય દબાણો વચ્ચે પણ મહાનગરપાલિકાના પ્રશ્નો ઉકેલવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. નડિયાદના વિકાસલક્ષી કાર્યોમાં તેમની કાર્યપદ્ધતિની છાપ વહીવટમાં જોવા મળી હતી.
હાલમાં સોલંકીની બદલી સુરેન્દ્રનગર થતા તેઓ ત્યાં વધારાનો હવાલો સંભાળતા કે એસ યાજ્ઞિકને આ જવાબદારીમાંથી મુક્ત કરશે. બીજી તરફ નડિયાદ મહાનગરપાલિકામાં નવા કમિશનરની નિમણૂક ન થતા હાલ આ જગ્યા ખાલી પડી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા અહીં કોની નિમણૂક કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. વહીવટી કારણોસર થયેલી આ બદલીથી નડિયાદના સ્થાનિક રાજકારણમાં પણ નવા સમીકરણો રચાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

Most Popular

To Top