નડિયાદ, તા.29
નડિયાદ નગરપાલિકાની સોમવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં બીજી અઢી વર્ષની ટર્મ માટે કમિટિઓની રચના અને નવા ચેરમેનોની જાહેરાત કરી દેવાઈ છે. ભાજપ બાહુલ નડિયાદ નગરપાલિકામાં 18 સમિતિઓમાં નવો પ્રયોગ કરતા તમામ સમિતિઓમાં નવા ચહેરાઓ મુકવામાં આવ્યા છે. ગઈ અઢી વર્ષની ટર્મમાંથી માત્ર એક જ અપવાદ બાદ કરતા તમામ નવા ચહેરાઓ આગળ ધરી જૂના જોગીઓને કોરાણે મુકવામાં આવ્યા છે. તો સાથે જ જિલ્લા ભાજપના પ્રમુખ ઓબીસી હોય અને હાલ ઓબીસી વર્ગને ધ્યાને રાખી 8 ઓબીસી સભ્યોની ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે.
નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સોમવારે પ્રમુખ સ્થાને આગામી અઢી વર્ષ માટે નવા ચેરમેનો નિમાયા છે. ભાજપ કાર્યાલયથી નડિયાદ શહેર પ્રમુખ આજે એક સીલ બંધ કવરમાં વ્હીપ લઈને આવ્યા હતા. જે નડિયાદ પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહને સોંપ્યા બાદ સામાન્ય સભા શરૂ કરાઈ હતી. જેમાં એકાઉન્ટન્ટે આ તમામ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરી હતી. નવા ચેરમેનોની જાહેરાત કરાતા તેમાં 13 ચહેરા બિલકુલ નવા હતા, જ્યારે 5 સભ્યો એવા છે, જેઓ અગાઉની પણ સમિતિઓ ભોગવી ચૂક્યા હોય, તેમ છતાં 2021ની સામાન્ય ચૂંટણી બાદ રંજનબેન વાઘેલાના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં જે કોઈ સભ્યો પાસે સમિતિઓ હતી, તેમાંથી એક પણ સભ્યને રીપીટ કરાયા નથી. જો કે, આ તમામ સમિતિઓના ચેરમેનોની જાહેરાત વચ્ચે કારોબારીના ચેરમેન તરીકે પરીન બ્રહ્મભટ્ટને મૂકી એક માત્ર સિનિયર અને અનુભવી ચહેરો મૂકાયો છે.
તો આ સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ઓબીસી સમાજમાંથી આવે છે, ત્યારે આ વખતે નડિયાદ નગરપાલિકાની સમિતિઓની રચનામાં સૌથી વધુ 8 સમિતિઓમાં ઓબીસી સમાજના સભ્યોને તક અપાઈ છે, સાથે જ 8 સભ્યો એવા પસંદ કરાયા છે, જે જનરલ સમાજમાંથી આવે છે. તેમજ 1 દલિત અને 1 આદિવાસી સમાજના ફાળે સમિતિ અપાઈ છે. આ ઉપરાંત સમિતિઓની રચનામાં નડિયાદના રાજકારણના જૂના જોગીઓને કોરાણે મૂકી દેવાયા છે. આ નોરીપીટની થિયરીમાં વિજયભાઈ પટેલ(બબલદાસ), સંજયભાઈ પટેલ, કાનજીભાઈ દેવશીભાઈ પરમાર, રમેશભાઈ રઈજીભાઈ પરમાર, સંજય સચદેવ, રીપુબેન સુશીલભાઈ પટેલ સહિતના સભ્યો છેલ્લી કેટલીય ટર્મથી પોતાના વોર્ડમાં ચૂંટાતા આવ્યા છે, જેમને સમિતિઓમાં પડતા મૂકાયા છે.
નડિયાદ પાલિકાની 18 કમિટીમાં પાટીદારાે ઘટ્યાં !
By
Posted on