ઓનેસ્ટ સ્પા પર પોલીસ દરોડો, સંચાલક દંપતી સામે ગુનો નોંધાયો
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 4
નડિયાદ શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે અસરકારક કાર્યવાહી કરી છે. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેતા તળાવ પાસે આવેલા બેવર્લી ઓર્કિડ કોમ્પ્લેક્સના ત્રીજા માળે શોપ નં. F-3/306માં કાર્યરત ઓનેસ્ટ સ્પા પર દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે સંચાલક ઘનશ્યામ ઉર્ફે મોન્ટુ ઉમેદભાઈ પરમાર અને જેનીફરબેન બહારથી યુવતીઓને બોલાવી સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતા હતા. સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી નાણાં વસૂલીને બંને ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
દરોડામાં જપ્ત સામગ્રી
તપાસ દરમિયાન પોલીસએ આરોપીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000), કાઉન્ટર પરથી રૂ. 1,500 રોકડા, ગ્રાહકોની વિગતો નોંધવાની ડાયરી, CP Plus કંપનીનું DVR તથા સાહેદ ઓમપુ પાસેથી મળેલા રૂ. 2,500 અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.
કાયદેસરની કાર્યવાહી
સમગ્ર મામલે પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.