Charotar

નડિયાદમાં વૃદ્ધાની હત્યા કરવાના ઈરાદે કોણે ગોળી ચલાવી?


પંચકુઈ વિસ્તારમાં રહેતા 74 વર્ષિય વૃદ્ધાને ઈજા પહોંચી અને ડૉક્ટરે તપાસ કરતા ડાબા હાથમાંથી બંદૂકની ગોળી કાઢવામાં આવી
વિધવા વૃદ્ધાના પતિ માર્ગ-મકાન વિભાગમાંથી નિવૃત થયેલા છે, બે દિકરા પરીવાર સાથે વડોદરા અને સેલવાસ રહે છે.



નડિયાદ શહેરમાં ગત વહેલી સવારે એક ચકચારીત ઘટના બની છે. શહેરના પંચકુઈ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને પોતાના મકાનની ગેલેરીમાં હતા અને દરમિયાન હાથમાં અચાનક ઈજા થઈ. તે પછી એક નાના ક્લિનિકમાં લઈ જવાયા અને બાદમાં એક્સ-રે કરાવતા હાથમાં કોઈ મેટલ દેખાતા, ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં હાથમાંથી બંદૂકની ગોળી નીકળતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વૃદ્ધાની હત્યાના ઈરાદે અજાણ્યા ઈસમ દ્વારા ગોળી ચલાવાઈ હોવાની ફરીયાદ નડિયાદ ટાઉન મથકે નોંધાઈ છે.
નડિયાદ શહેરમાં મઢી ચકલા પંચ કુઈ પાસે દીપ બંગલોઝમા 74 વર્ષિય શોભનાબેન બીપીનચંદ્ર તલાટી રહે છે. તેમના પતિ વર્ષ 2019મા ગુજરી ગયા હતા અને બે સંતાનો વડોદરા તેમજ સેલવાસ ખાતે રહે છે. અહીંયા નડિયાદ મૂકામે તેઓ એકલા જ રહે છે. શોભનાબેન પતિના પેન્શનથી જીવન નિર્વાહ કરે છે. ઘરકામ અને રસોઈ બંધાયેલા છે. શોભનાબેનનુ મકાન ત્રણ માળનું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેઓ રહે છે, પ્રથમ માળે રસોડું તથા બેઠક રૂમ આવેલ છે.28 ઓગસ્ટ 2024ના રોજ સવારના અગિયારેક વાગ્યાના સુમારે શોભનાબેન તલાટી પોતાના મકાનની મકાનના પ્રથમ માળે ગેલેરીમાં તાર ઉપર કપડાં સુકવેલ તે કપડાં લેવા ગેલેરીમાં ગયા હતા. કપડાં લેવા હાથ ઊંચો કરતા તેમને ડાબા હાથના કાંડાના નીચેના ભાગે અચાનક કંઈક ઝટકો લાગ્યો હતો. શરૂઆતમાં તો તેમને કાંઈ ખબર ન પડી બાદમાં લોહી નીકળતા તેમણે બુમાબુમ મચાવી હતી. જે બાદ ઘરઘથ્થુ ઉપચાર કરી નજીક આવેલ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. તબીબે એક્સરેનુ જણાવતા તેમના સ્વજનોએ એક્સરે કરાવતા શોભનાબેનના હાથમાં મેટલ જેવું એક્સ-રેમાં દેખાયુ હતું. જે બાદ તુરંત સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબીબે આ વૃધ્ધાના હાથમાંના કાંડા નીચે ઓપરેશન કરી અંદરના ભાગેથી ગોળી બહાર કાઢી હતી. હાલ વૃદ્ધાનુ સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ છે અને આ બનાવ સંદર્ભે વૃદ્ધ શોભનાબેન તલાટીએ કોઈ અજાણ્યા ઈસમ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top