નડિયાદ: નડિયાદ નગરપાલિકા અને પોલીસ તંત્રની બેવડી નીતિ જાહેરમાં દેખાઈ રહી છે. આર્થિક હિતો પોષતા સંતરામ રોડના દુકાનદારોને રોડ પર સામાન મુકી અને દબાણ કરવા ઉપરાંત અડ્ડો જમાવવા માટે જાણે છુટછાટ આપી દેવાઈ હોઇ તેવું દેખાઇ રહ્યું છે. નડિયાદના હાર્દ સમા સંતરામ રોડ પર વાહનો અને લોકોની ભારે અવર-જવર રહેતી હોય છે. જેના કારણે અહીંયા ધંધા માટે વિપુલ પ્રમાણ જોતા રોજી કમાઈ લઈ ઘર ટકાવી રાખવા માટે અનેક મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ચોગાન બહાર રોડની ધાર પર બેસતા હતા. અહીં થોડા દિવસ પહેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા નગરપાલિકા અને પોલીસ તંત્રએ કામગીરી કરવાના નામે દબાણ હટાવવાના ભાગરૂપે લારી અને પાથરણાંવાળાને ન બેસવા માટે નિર્ણય લીધો. જ્યાં તુરંત જ તેનો અમલ કરતા લારી-પાથરણાંવાળાને અહીંયાથી ખસેડી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ તંત્રની બેવડી નીતિ હોવાનું પણ દેખાઈ રહ્યુ છે, કારણે આ જ રોડ પર સંતરામ મંદિરની સામેની બાજુ આવેલા રોડથી ગ્લોબ તરફ જતા રસ્તા પરના દુકાનદારો ઉપરાંત સંતરામ માર્કેટ સર્કલથી બસ સ્ટેન્ડ તરફ જતા દુકાનદારો દ્વારા દુકાનો ઉપરાંત છેક બહાર સુધી સામાન ગોઠવી રાખ્યો છે. એટલુ જ નહીં રોડને અડીને તેમના પોસ્ટર્સ સહિતની વસ્તુ પડી હોય છે. તો વળી, અહીં દુકાનો પર આવતા લોકો પણ ગમે તેમ વાહનો પાર્ક કરી રહ્યા છે, જેના કારણે મુખ્ય રોડ વધુ સાંકળો થઈ જાય છે.