Charotar

નડિયાદમાં ચકચારી એક કરોડની ચોરીમાં કૂખ્યાત નવઘણ પૂજા પકડાયો

નડિયાદના સિરપકાંડના આરોપીના ઘરમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરનારી ગેંગ પાસેથી માત્ર 22 લાખ જ રીકવર થયાં

(પ્રતિનિધિ) નડિયાદ, તા.22

નડિયાદમાં સપ્તાહ અગાઉ સિરપ કાંડના આરોપી યોગેશ સીંધીના ઘરે થયેલી 1 કરોડ ઉપરાંતની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આંતરરાજ્ય તસ્કર અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા નવઘણ પૂંજાને પોલીસે તેના સાગરીતો સાથે ઝડપી પાડ્યો છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી વર્કશોપ સામે પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા સુનિતાબેન યોગેશભાઈ સિંધીના ઘરે 1.02 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. 80 લાખ રોકડ સહિત દાગીના મળી આ કરોડોની ચોરી થતા લોકલ ક્રાઈમ બ્રાંચ અને નડિયાદ ટાઉન પોલીસ સક્રિય થઈ હતી.  પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન સોર્સના આધારે એક શકમંદ ઈસમ સુધી પહોંચી હતી.આ ઈસમ નડિયાદ હેલીપેડ ચોકડી ખાતેથી ઉઠાવી પુછપરછ કરતા તેણે પોતાનું નામ નવઘણ પુંજા તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ધાતુનુ બિસ્કીટ સોનાની ચેઈન જે ચોરીનો મુદ્દામાલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ અન્ય તેના સાગરીતો વિષ્ણુ મફત તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) સમીર મોંઘા તળપદા (રહે.ખંભોળજ, જિ.આણદ) અને રમેશ પોપટ ડોડીયા (રહે.નડિયાદ)ને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત આ કેસામ હજુ એક આરોપી વિષ્ણુ પુજા તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) વોન્ટેડ છે. ઉલ્લેખીનય છે કે, નવઘણ પૂંજા એ આંતરરાજ્ય અને કુખ્યાત બનેલો તસ્કર છે. અન્ય રાજ્યોમાં પહોંચી અને ત્યાં પણ મોટી ચોરીઓને અંજામ આપનારો આ ઈસમ પોલીસ ચોપડે વોન્ટેડ હોવા ઉપરાંત ક્રિમિનલ માનસિકતા ધરાવે છે.

શું પોલીસ કુખ્યાત ઈસમોનો વરઘોડો કાઢશે?

હવે આ સમગ્ર મામલે સૌથી ચર્ચાસ્પદ બાબત પોલીસના વરઘોડા બાબતની છે. સામાન્ય આરોપીઓના વરઘોડા કાઢવામાં આવતા હોય, તેવા સંજોગોમાં વર્ષોથી હેબીચ્યોલ ક્રિમિનલ માનસિકતા ધરાવતા અને આવા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા નવઘણ પૂંજા અને તેના સાગરીતોનો પોલીસ રીકન્સ્ટ્રકશનના નામે વરઘોડો કાઢશે કે કેમ? તે અંગે ચર્ચાઓ ઉઠી છે.

80 લાખની રોકડનો હિસાબ કોણ કરશે?

આ તરફ બીજી સૌથી મહત્વની બાબત એ છે કે, શહેરમાં અગાઉ સિરપ કાંડમાં મુખ્ય આરોપી તરીકે નામ ખુલ્યુ હતુ અને સિરપનો ખૂબ મોટો વ્યાપારી બનેલા યોગેશ સિંધીના ઘરે 80 લાખની રોકડની ચોરી થઈ હતી. તેવા સંજોગોમાં આ 80 લાખ રૂપિયાનો તેની પત્ની દ્વારા હોટેલની બચત હોવાનો હિસાબ અપાયો છે? પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ તે શંકાસ્પદ બાબત છે. આ મામલે પોલીસ ઈન્કમટેક્સ સહિતના મહત્વના વિભાગોને જાણ કરશે કે કેમ? તે પણ મહત્વનો પ્રશ્ન છે.

નજીકમાં રહેતા પાડોશીએ ટીપ આપી

યોગેશ સિંધીના ઘરની નજીકમાં રહેતા રમેશ ડોડીયાએ ટીપ્સ આપી હતી કે, મારા નજીકમા રહેતો સિરપકાડનો આરોપી યોગેશ ઉર્ફે યોગી જેલમાં છે અને તેની પાસે મિલ્કત હોય ઘણી આવક છે તેમજ તેના પરિવારમાં લગ્ન હોવાથી ઘર બંધ કરી પરિવારજનો લગ્નમા જાય છે. તેવી ટીપ્સ આપી હતી અને બનાવના દિવસે રમેશ ડોડીયાએ લગ્ન બહાર વોચ રાખી હતી.

80 લાખમાંથી માત્ર 22.35 લાખ રીકવર થયા

પરીવારને લગ્નમાં ગયાની બાતમી મળ્યા બાદ તમામ ઈસમો સમીરની રીક્ષા લઈને તમામે ચોરી કરી હતી. જે પૈકી પોલીસે 598.68 ગ્રામ સોનુ અને 591.03 ગ્રામ ચાંદી તેમજ રોકડ રૂપિયા 22.35 લાખ રીકવર કરવામાં સફળતા મળી છે. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

રાજ્ય અને રાજ્ય બહાર 23 ગુન્હા

આ ઘરફોડ ચોરીને અંજામ આપતો નવઘણ તળપદા પોતે રાજ્ય અને રાજ્યની બહાર 23થી વધુ મોટી ઘરફોડ ચોરીનો ઈતિહાસ ધરાવે છે જ્યારે અન્ય આરોપીઓ પ્રોહીબીશનના કેસમાં ગુનાઓ નોધાયેલા છે.

Most Popular

To Top