નડિયાદ: નડિયાદમાં બિસ્માર રસ્તાઓના કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરના જુદા-જુદા તંત્રના હસ્તકના રસ્તાઓની છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલત છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કાયમી નિરાકરણ ન આવતુ હોવાની ફરીયાદ ઉઠી છે. તેમાંય નગરપાલિકા દ્વારા અનેક માર્ગોના ખાડા પૂરવા માટે ડસ્ટ નાખવામાં આવ્યુ છે. ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસ વરસાદ પડતા ફરી ખાડા પડી જતા એ જ સમસ્યા યથાવત રહી છે.
નડિયાદ શહેરમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા સામાન્ય બની ગઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ચોમાસા પહેલાથી શહેરના મોટાભાગના રસ્તાઓ દયનીય હાલતમાં હતા અને વરસાદની સિઝન શરૂ થયા બાદ તો શહેરના રસ્તાઓની હાલત સાવ ખસ્તા થઈ ગઈ છે. બિસ્માર રસ્તાઓ સરખા કરવા અનેક વિસ્તારોમાંથી રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા જૂજ માત્ર રસ્તાઓની મરમત કરી સંતોષ માની લેવાયો હતો. પરંતુ હજુ પણ શહેરના અનેક રસ્તાઓ ખાડામય દેખાઈ રહ્યા છે.
ખાસ કરીને ચકલાસી ભાગોળથી મરીડા ભાગોળ થઈ કબ્રસ્તાન ચોકડી તરફ, મરીડા ભાગોળથી મરીડા ચોકડી તરફ, શહેરના બજાર વિસ્તારોના રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યુ છે. ત્યારે આ મામલે વિરોધ પક્ષે સહિત સામાજીક કાર્યકર્તાઓ અને નાગરીકોએ ભારોભાર વિરોધ નોંધાવ્યો છે. છતાં હજુ સુધી તંત્ર દ્વારા નક્કર અને કાયમી નિરાકરણ લાવવા તરફ કોઈ કામગીરી કરવામાં આવી નથી. તો બીજીતરફ તંત્ર દ્વારા અનેક સ્થળો પર ડસ્ટ નાખી ખાડા પૂરવાનો પ્રયત્ન કરાયો હતો, જો કે, છેલ્લા ત્રણ દિવસ મોડી સાંજે અને રાત્રિ દરમિયાન વરસાદ ખાબકતા રોડ ફરી ખાડામય બની ગયેલા દેખઈ રહ્યા છે.
માર્ગ અને મકાન વિભાગના રસ્તા પણ બિસ્માર
નડિયાદ શહેરમાં બજાર વિસ્તારો અને અન્ય અંતરિયાળ વિસ્તારના માર્ગો નગરપાલિકા અંતર્ગત છે. જો કે, મુખ્ય રોડ પૈકી ડભાણ ચોકડીથી મિશન થઈ બસ સ્ટેન્ડ અને સંતરામ થઈ ઉતરસંડા તરફનો માર્ગ દાંડી માર્ગ છે અને તે કેન્દ્ર સરકાર હસ્તક છે. તો આ તરફ મહા ગુજરાત થઈ ચકલાસી ભાગોળ થઈ ડાકોર તરફ જતો માર્ગ અને કપડવંજ રોડ તેમજ મહેમદાવાદ રોડ પર નડિયાદ હદ વિસ્તારના રોડ એ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અંતર્ગત આવે છે. તો વળી, ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ મરીડા ભાગોળથી મરીડા ચોકડી તરફનો માર્ગ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અંતર્ગત છે. ત્યારે આ માર્ગો પર પણ મોટા ખાડા પડ્યા છે. જેથી માત્ર પાલિકા જ નહીં, પણ અન્ય પ્રશાસન પણ શહેરના રસ્તા સુધારવામાં પાંગણા સાબિત થઈ રહ્યા છે.
સવારે ધૂળની ડામરીઓથી લોકો ત્રસ્ત
નડિયાદના જાહેર માર્ગો પર યોગ્ય સાફ-સફાઈ અને રોડની ખસ્તા હાલતના કારણે રસ્તાઓ ધૂળિયા માર્ગમાં પરીવર્તિત થયા છે. વાહનો લઈ પસાર થતી વેળાએ રસ્તા પર ઉડતી ધૂળની ડામરીઓના કારણે વાહનચાલકોની આંખો ભરાઈ જાય છે અને અકસ્માતની પણ શક્યતાઓ વધી જાય છે. ત્યારે આ મામલે પણ તત્કાલ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માગ ઉઠી છે.