Vadodara

નજીવી રકમ માટે યુવક પર જીવલેણ હુમલો, માત્ર રૂ,150 માટે યુવકને ચાકુના ઘા ઝીંકાયા

માંજલપુર વિસ્તારમાં આવેલી અમર કૃપા સોસાયટી પાસે ખેલાયો લોહીયાળ જંગ, ઇજાગ્રસ્ત યુવક SSG હોસ્પિટલમાં દાખલ

(પ્રતિનિધિ), વડોદરા. તા.4

સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂસેન જીઆઈડીસી રોડ પર, સાઈબાબા મંદિરની સામે આવેલી અમર કૃપા સોસાયટી પાસે રહેતા 24 વર્ષીય મનિષ મારવાડી પર અજાણ્યા શખ્સ દ્વારા ચાકુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ હુમલા પાછળનું કારણ અત્યંત ચોંકાવનારું છે. ઇજાગ્રસ્ત યુવકના પરિવારનો આક્ષેપ છે કે માત્ર 150 રૂપિયાની લેતી-દેતીની બાબતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ અજાણ્યા શખ્સે ઉશ્કેરાઈને યુવક પર ચાકુથી હુમલો કરી દીધો હતો. હુમલાને પગલે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે સયાજી (SSG) હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકના પિતાના જણાવ્યા મુજબ હુમલો કરનાર કાર્તિક, સિકંદર ની સાથે અન્ય બે યુવાનો રિક્ષામાં આવ્યા હતા. મનિષ પર હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત મનિષ એ લોહીલુહાણ હાલતમાં તેના પિતા ને ફોન કરી બનાવ ની જાણ કરી હતી. ત્યારે તેના પિતા સ્થળ પર આવી તેને સારવાર અર્થે પોતાની બાઈક પર બેસાડી સયાજી (SSG) હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર કરાવી હાલ મનિષ ને નવા સર્જીકલ વોર્ડના C4 બ્લોકમાં દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top