

( પ્રતિનિધિ )વડોદરા,તા.2
વડોદરા શહેર ના પૂર્વ વિસ્તારમાં આવેલા રામદેવ નગર 6 નંદઘર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. નંદ ઘરની ચારે તરફ ખાલી શરાબની બોટલો બિયરના ટીન અને ગ્લાસો મળી આવતા બાળકોના ભવિષ્યને લઈ અનેક સવાલો ઉઠ્યા છે.
એક તરફ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નાના નાના ભૂલકાઓના ભવિષ્ય માટે ઠેર ઠેર નંદઘર બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ નંદ ઘર બનાવ્યા બાદ શું નંદઘરનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. એ જોવાની જવાબદારી પણ સરકારની છે. ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરના જ વોર્ડમાં આવેલ રામદેવનગર છ નંબરનું નંદઘર જે ખોડીયાર નગર પાસે આવેલું છે. જે સંપૂર્ણ બંધ અવસ્થામાં જોવા મળ્યું છે અને એનાથી પણ વિશેષ આ બંધ નંદઘરની ચારે તરફ ખાલી દારૂની બોટલોનો ઢગલો જોવા મળ્યો છે. એટલે ક્યાંકને ક્યાંક શિક્ષણનું ધામ એ શિક્ષણનું નહીં પણ નશાનું ધામ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં ભૂલકાઓનું ભવિષ્ય બનાવવા માટે જે નંદઘર બનાવવામાં આવી રહ્યા છે. એ નંદઘર ક્યાંકને ક્યાંક આવા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. થોડા દિવસો પૂર્વે જ વડોદરામાં રાજ્યના શિક્ષણ મંત્રીએ મુલાકાત લીધી હતી અને માનીતા મહાનુભાવો એ અગાઉથી તૈયારી કરી રાખેલ એવી જગ્યા ઉપર મંત્રીને મુલાકાત કરાવડાવી હતી. પરંતુ ચિત્ર કંઈક અલગ છે.આવી કેટલી જગ્યાઓ છે જે જગ્યાઓથી શિક્ષણ મંત્રીને દૂર રખાયા હતા. ત્યારે વિસ્તારના નાગરિકોએ પ્રજાના પૈસે બનેલા આવા નંદઘરોને શુવ્યવસ્થિત રીતે ચાલુ કરવામાં આવે અને બંધ નંદઘરો જે અસામાજિક તત્વોનો અડો બની ગયા છે. ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને ભૂલકાઓને ભવિષ્યને અંધકારમાં ધકેલી દેતા રોકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.