એક સમય હતો જ્યારે સુરતથી બારડોલી, ધુલીયા, મહારાષ્ટ્ર જવું હોય તો કડોદરા ચાર રસ્તા, દસ્તાન ફાટક થઈને જ જઈ શકાતું. રસ્તામાં ટાપ્ટી રેલવેથી ઓળખાતી સીંગલ રેલવે લાઈન આવતી. સમય જતાં વિકાસ થયો અને ઘણા રસ્તાઓ અસ્તીત્વમાં આવ્યા. ટાપ્ટી રેલવે પણ ડબલ લાઈનની થઈ ગઈ. પણ જે તે સમયે કદાચ આવનારી ચૂંટણી જીતવાની લ્હાયમાં દસ્તાન ફાટક પાસે બનાવવાનો શરૂ કરેલ રેલવે ફલાયઓવર બ્રિજ પૂરો થઈ શક્યો નથી. કારણ? હજીરાથી બારડોલી, મહારાષ્ટ્ર, કલકત્તા જવા માટે ટોલ ટેક્સ વાળો નેશનલ હાઈવે બની ગયો એટલે? કે પછી દસ્તાન ફાટકનો બ્રિજ તો જિલ્લાના લોકો મફતમાં વાપરશે એટલે? આ અધૂરાં બ્રિજની હાલત બગડવા માંડી છે. લોકશાહીમાં પારકી છઠ્ઠીના જાગતાલ કહેવાતા પત્રકારો, પ્રિન્ટ અને ડીજીટલ મીડિયા, પાવરફુલ સોશિયલ મીડિયા, આ વિસ્તારના ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તથા સહકારી સંસ્થાઓના આગેવાનો ધારાસભ્યો, સંસદસભ્યો (જેમાના ઘણા તો પાછા મિનિસ્ટર અને એથીય વધારે ઊંચા હોદ્દા ધરાવનારા મહાનુભાવો) લગભગ બધા જ શાષક પક્ષના અને તે પણ વર્ષોથી. શુ કોઈના ધ્યાનમાં આ અધૂરો બ્રિજ આવતો જ નહી હોય? રેલવે મિનિસ્ટ્રીમાં પણ છેલ્લા આઠ વર્ષથી બધા આપણાવાળા જ! ડબલ એન્જીન! પણ ચાલે ક્યુ એ ખબર નહી. જિલ્લાની કલેક્ટર કચેરીમાં દર મહિને લોકપ્રતિનિધિઓનો સમાવેશ થયેલ હોય તેવી સંકલન સમિતીની બેઠક થાય છે. તેમાં રોડ શો, તહેવારોની ઉજવણી, રથયાત્રાઓ ઉપરાંત જિલ્લામાં જરૂરી હોય તેવા અટકેલા કામોને પૂરા કરવા અંગેની ચર્ચાઓ પણ કરી શકાતી હોય છે તેવુ જ્ઞાન સુરત શહેર જિલ્લાના સૂંડલો ભરાય એટલા ધારાસભ્યો, સંસદસભ્યો, મંત્રીશ્રીઓ નહી ધરાવતા હોય? બી પોઝીટીવ, ચૂંટણી આવે છે. ચમત્કાર થશે જ!.
સુરત – એક સુરતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શિક્ષકો સજ્જ બને એ માટે સ્કૂલો પ્રયત્ન કરે
લોકોમાં મૂલ્યાનિષ્ઠા કેળવવાની, સમાજને તેની જરૂરીયાત પ્રમાણે નવા મૂલ્યો આપવાની તેમજ પોતે મૂલ્યો પ્રમાણે જીવીને નમુનો પૂરો પાડવાની શકિત દાખવનાર આચાર્યો પ્રત્યેક શાળા અને મહાશાળોમાં હોવા જરૂરી છે. અલબત્ત દરેક શિક્ષક આચાર્યના ગજાના હોય એવી અપેક્ષા આપણે રાખી શકીએ નહી. શિક્ષકો એટલે પગારદાર કર્મચારીઓ છે, એ ગણના પ્રમાણે હાલના સંજોગોમાં આપણી સરકાર નવા નવા પ્રયોગો કરીને શિક્ષકોને શિક્ષણ કાર્યથી દૂર રાખીને જ ગધ્ધા વૈયતરૂ કરાવે છે એ પણ યોગ્ય નથી. આપણા કેટલાક સાચા શિક્ષણશાસ્ત્રીઓના મત મુજબ સામાન્ય પ્રજાને અપેક્ષાઓ છે એ આ પ્રમાણે છે. (1) શિક્ષકોએ કોઇપણ રાજકિય પક્ષના સભ્ય થવું જોઇએ નહીં કારણ જે રીતે ન્યાયધીશ પર કોઇ પક્ષની સત્તા ન ચાલે એ રીતે શિક્ષકો ઉપર પણ કોઇ પક્ષનો પ્રભાવ હોવો ન જોઇએ.
જો શિક્ષકો પોતાની સ્વતંત્રતા કોઇ રાજકિય પક્ષને સોંપી તેના અનુયાયી થઇ જાય તો તે શિક્ષકની હૈસીયત ગુમાવે છે. (2) શિક્ષકોનું લક્ષ્ય વિદ્યાર્થી છે. વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર હોવી જોઇએ. શિક્ષકો માટે આ એક મોટો ગુણ છે. જેના વગર કોઇ શિક્ષક જ બની ન શકે. (3) શિક્ષકે સત્ત જ્ઞાન વૃદ્ધિ અધ્યયન કરતા રહેવું જોઇએ. (4) શિક્ષકો કે આચાર્યોને કોઇ ચીજમાં વિશ્વાસ હોય તો તે જ્ઞાનમાં હોવું જોઇએ. કારણ કે શાળાઓ અને શિક્ષકોને જ વિદ્યાર્થીઓમાં જ્ઞાન પ્રાપ્તિની ઝંખના જગાવવાની જવાબદારી નિભાવવાની છે. શિક્ષકોએ ઘણી મોટી કામગીરી બજાવવાની બાકી રહે છે. આજના વિદ્યાર્થીઓને ભણવું જ નથી કે એમનામાં ભણવાની વૃત્તિ જ નથી એવું કેટલાક શિક્ષકો કહે છે ત્યારે એમ કેહવુ પડે કે વિદ્યાર્થીઓને જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરાવવા માટે જ સમાજ શિક્ષકને વળતર ચુકવે છે. શિક્ષકને પોતાને જો જ્ઞાનની શકિતમાં પૂરો વિશ્વાસ હશે તો તેનો પ્રભાવ વિદ્યાર્થીઓ પર પડયા વગર રહેશે નહીં.
નવસારી – નાદીરખાન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.