Comments

દશેરાએ મંદોદરીની મનોવેદના..!

भक्तगण इधर भी दें ध्यान! रावण की मौत के बाद मंदोदरी ने किया था विवाह | News  Track in Hindi

લંકેશ હતાં ત્યાં સુધી તો લંકામાં પણ ધાક હતો. રાજ ઘરાનાની પ્રણાલિકા ને લંકેશના અકડું મિજાજને કારણે દેશદેશાવરના મોઢાં પણ બંધ હતાં. ખુદ મંદોદરીજી પણ મૌની બની ગયેલાં. પતિ ભલે રાક્ષસ વિચારધારાનો હોય, પણ કોઈ એના વિષે ઘસાતું બોલે તો, કોઈ પત્ની સાંખી નહિ લે. રાવણના મૃત્યુ પછી, જાતજાતનો ઝંડો કાઢીને બેઠેલા લોકો સામે મંદોદરીએ કેવી હૈયાવરાળ ઠાલવી, એ પણ જાણવા જેવું છે.

મંદોદરી ઉવાચ, ” હે પામરો..! તમે તો શાકભાજીની માફક પતિને પણ ચકાસી-ચકાસીને પરણો છો ને..?  હું કેવી બહાદુર કે, રાક્ષસકુળમાં સામે ચાલીને પરણીને ગયેલી. છતાં પતિને મેં પરમેશ્વરથી અધિક માન્યા. બીજાની માફક રાવણ-લીલા કરી નથી..! મારો લંકેશ તો રાક્ષસવંશી હતો. મને ખબર હતી કે, બાવળિયાની ડાળ ઉપર રામફળની આશા નહિ રખાય. મને કોઈ એ તો બતાવો કે, જેનામાં રાવણ જેવા એકપણ દુર્ગુણ ના હોય..? તમે તો સાક્ષરો છો. છતાં, ખૂન-બળાત્કાર-અપહરણ અને તાલીબાની તાંડવો તો તમારામાં પણ થાય છે.

લંકેશ તો રાક્ષસ હતાં, છતાં શિવ ભકત હતાં. અનેક શાસ્ત્રોના જ્ઞાતા અને પ્રખર પંડિત  હતાં. ભગવો ઓઢીને ભક્ત હોવાનો એ દેખાડો નહિ કરતાં. છતાં ન ભૂતો ન ભવિષ્યતિનો ડંકો ચોમેર ગાજતો રહ્યો. એમની સામે તમે શું છો..? પાશેરની  પુંજી ને સવાશેરના મિથ્યાભિમાન..! હા, મા સીતાનું હરણ કરેલું, પણ હરણ કર્યા પછી, મા સાથે કોઈ દુર્વ્યવહાર કર્યો હોય તો બતાવો..?  લંકામાંથી મા જીવતી મળી એ પ્રભુશ્રી રામની તાકાત હતી, પણ પવિત્ર મળી એ મારા લંકેશની તાકાત હતી. એવો કયો નિર્લજ્જ ભાઈ હોય કે, કોઈ બહેનનું નાક કાપી જાય, છતાં છત્તર પલંગ ઉપર ઘોરતો રહે..!

એક બહેનની વેદના સાંભળીને તેની પડખે રહેવું  એ શું  અધર્મ છે..? ગાંધારીની માફક આંખે પાટા બાંધીને બેઠાં હોય તો સાંભળી લો, ભગવાન શ્રી રામને લંકામાં લાવવાનું આ તો ત્રાગું હતું. લંકેશનો ઈરાદો તો, શ્રી રામ સાથે યુદ્ધ છેડીને લંકામાં બોલાવી લંકાનો ઉદ્ધાર કરવાનો હતો. સ્ત્રી એકવાર વિધવા બને, એ દુર્ભાગ્ય છે. પણ તમે તો મારા લંકેશનો દર વર્ષે નાશ કરીને મને વરસો વરસ વિધવા બનાવો છો..!  સહેજ પણ તમને મારી દયા આવે છે ખરી..? દર વરસે  રાવણ સળગાવીને મને દરવરસે વિધવા બનાવવાની..? પેલાં સશક્તિકરણના ઝંડા લઈને ચાલનારના ધ્યાનમાં આ વાત કેમ નથી આવતી..?

ભલે મારા રાવણને સળગાવો. પણ સળગાવીને જાવ છો ક્યાં..? એકવાર બરાબર જોઈ તો લ્યો ? બરાબર સળગી તો ગયાં છે ને..? કે પછી આવતા વરસે પાછાં સળગાવવા આવશો..? દરવરસે મને હવે વિધવા થવાનું ગમતું નથી. તમે લોકો સ્ત્રી જાગૃતિની માત્ર વાત જ કરો છો કે, પછી રાવણને સળગાવી લોક સહાનુભુતિ મેળવો છો..? જો મારા પતિદેવ પુરા સળગી ગયાં હોય, નામશેષ થયાં હોય તો જ મેદાન છોડજો. પછી ભલે જાવ પોતપોતાના ઘર, ને ફાફડા જલેબી ખાયને જલશા કરો..!  પણ, મગજમાં એવો ફાંકો તો રાખતા જ નહિ કે, તમે રાવણ સળગાવ્યો ને મારા રાવણના રામ રમી ગયા. તમે તો માત્ર રાવણનું શરીર જ બાળ્યું. જે શરીર એમનું પોતાનું છે જ નહિ. એ તો ભગવાન શ્રી રામે આપેલી અમાનત હતી. ઝનૂન સાથે બાળવા જ નીકળ્યા છો તો એમના શરીરને નહિ, એમના અવગુણને બાળો.

શ્રી રામના સાચા અનુયાયી હોય તો, તમારા દુર્ગુણોને પણ દશેરાએ સળગાવો. અને સંકલ્પ કરો કે, આજથી હું શ્રી રામના પગલે જ ચાલીશ..! શિઈઈઈટ..! અરીસા માં તો બધાં જ સુંદર દેખાય..! મારો રાવણ પણ ભવ્ય દેખાતો. પણ ભીતરમાં ડોકિયું કરીને જરા જુઓ તો ખરાં કે, હું રાવણથી ઉતરતો તો નથી ને..? સાડા પાંચ હજાર વર્ષ વીતી ગયા આ ઘટનાને, છતાં દશેરાને દિવસે બાળવા માટે તમને માત્ર મારો રાવણ જ દેખાય છે..? અધમ તો હિરણ્ય કશ્યપ પણ હતો. કૃરલીલા તો કંસની પણ હતી. બાળવા માટે એમના પુતળા કેમ દેખાતા નથી…? તમારામાં જન્મેલા રાવણને બાળવા,  કોઈ દશેરા આવતાં જ નથી..?  કે પછી મારા રાવણની  શક્તિ. ભક્તિ  અને સંપતિની જીલ્લસી છે..?  રાક્ષસ કુળના રાવણ પાસે સોનાની લંકા હોય, એવી અદેખાયમાં તમે ગુમરાહ તો થયાં નથી ને..?

એક રાક્ષસ કુળનો લંકેશ શિવજીનો પ્રખર ભક્ત બની જાય એની બળતરા તો નથી ને..? એમની પાસે બધું હતું, એનું એમને ઘમંડ નહિ, પણ ગૌરવ હતું. અભિમાન અને અહંકારનું લેબલ તો રાવણને બદનામ કરવાની લીલા છે..! એમની પાસે દેવોએ આપેલાં શસ્ત્રો હતાં. એ એમની લાયકાત હતી. પ્રખર પંડિત હોવાની કાબેલીયાત હતી. લંકા માટે મરી ફીટવાની, સામ-દામ-દંડ-ભેદ-જોમ-જુસ્સોની  તાકાત હતી. તમે આટલા બખેડા શેના  કરો છો..? એમની  જેમ તમારા કુળમાંથી તાકતવર એક વિભીષણ, એક ઇન્દ્રજીત, કે એક કુંભકર્ણ તો ઉભો કરી બતાવો…?

તમારા ઘમંડને બાળવા માટેનો દશેરો, તમારા કેલેન્ડરમાં આવતો જ નથી કે…? તમે કરો છો, એ લીલા, ને લંકેશ કરે એ રાવણલીલા..? એ તો લંકેશનાં ભાઈ વિભીષણ ફૂટી ગયાં, અને શ્રી રામે મારા રાવણનો વધ કર્યો. ભાઈને ભાઈકો મરવાયા હૈ…! આપ લોગ ઐસા મત કીજીએ..! આપકો મેરે લંકેશકી સૌગંદ હૈ..! આ ધરતી ઉપર જેમ શ્રી રામની આલબેલ છે, એમ લાન્કેશનો પણ ડંકો વાગે જ છે..! સુધરવાનું કોઈ નામ જ નથી લેતું. પાર્ટીઓ બદલાય એમ, માત્ર નામ બદલાય, ઠામ બદલાય, ને સ્વરૂપ બદલાય..!  આજનો આતંકવાદ એ રાવણલીલા જ છે. આજનો ભ્રષ્ટાચાર એ રાવણલીલા જ છે. પણ દુખની વાત એ છે કે, તમને દશ માથાવાળા રાવણની ઓળખ છે. ત્યારપછી વધેલા અનેક માથાઓ તરફ તમારી દ્રષ્ટિ ગઈ જ નથી. દરેક ક્ષેત્રમાં માથા મારવાની માણસની ચેષ્ટા એ ટેવ નથી, પણ રાવણલીલા જ છે. એટલે તો એ રાજકારણમાં જીવે છે.

પબ્લીલ મેનેજમેન્ટમાં શ્વસે છે. વિદ્યાલયોમાં ધબકે છે, મોટા ગજાના મંદિરોમાં જીવે છે. ને  લેભાગુ બનેલા ભગવા બાવાઓની જમાતમાં પણ જીવે છે. બળાત્કાર, અપહરણ, લુંટફાટ, આતંકવાદ અને ખૂના મરકી આ બધાં એમના નુતન સ્વરૂપો છે. એમનો કોઈ અંત જ નથી. એ અનંત છે. માટે બાળવો જ હોય તો એમને નહિ,  બદતત્વોને ટાળો. તો જ એક સાચા દશેરાનું પ્રભાત ઉગશે. પણ વાહ રે તમારી બનાવટ લીલા..? બાળવા માટે પણ તમને ઊંચામાં ઉંચો રાવણ જોઈએ. જેનો જેટલો રાવણ ઉંચો, એટલો એનો કોલર ઉંચો. એની જાહોજલાલી ઉંચી….! રાવણનું મેઝરમેન્ટ જાણે  ખિસ્સામાં હોય એમ, નાનો રાવણ તો કોઈને ફાવતો જ નથી. ભઈલા, રાવણ નહિ, રામ ઉંચો હોવો જોઈએ..! પણ સમજાવું કોને..?  રાવણને બાળવા નીકળો ત્યારે તો એવી ખુમારી સાથે નીકળે કે, જાણે,  દશરથ રાજાની છેલ્લી પેઢીના સૂર્યવંશી રાજાધિરાજ ના હોય..?  હે રામ…!

લાસ્ટ ધ બોલ
અંગુઠામાંથી રાવણ હવે કાઢ નહિ રમેશ
રાવણ હવે આંગળીના ટેરવે રાજ કરે છે
         -રસમંજન
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top