ડભોઇ; ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચારની બોલબાલા વચ્ચે એક વધુ ગંભીર ગેરરીતિ બહાર આવી છે. થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ ગામમાં બનેલા ત્રણ લાખના સ્મશાનના કામમાં ભારે ગેરરીતિ થયાની ફરિયાદો સામે આવતા તાલુકામાં ચકચાર મચી છે.
ગત ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલતી હોવા છતાં પંચાયતમાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે, જે આચારસંહિતાના સ્પષ્ટ ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યું છે. તાલુકા વિકાસ અધિકારીના સ્તરે પણ કામકાજમાં ગેરરીતિઓ થઈ હોવાની ચર્ચાઓ તેજ થઈ છે.
અંબાવ સ્મશાનના બી.યુ. સર્ટિફિકેટ કેવી રીતે બહાર પાડવામાં આવ્યું તે મોટો સવાલ છે, કારણ કે માર્ગ-મકાન વિભાગના ઈજનેર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં જમીન અને કામની હકીકતને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. તાલુકામાં આ મુદ્દે વિવિધ વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ ગઈ છે.
જાહેર માહિતી અધિકાર હેઠળ ભાવેશ પટેલે કરેલી અરજીએ મામલો વધુ ગંભીર બન્યો છે. અરજદારે માહિતી મેળવતા, તાલુકા વિકાસ અધિકારીએ સ્મશાનના ત્રણ લાખના બિલની સહી અંગે જણાવ્યું કે—
“તમે મને કહી હોત તો હું આ બિલ પર સહી ન કરત.”
આ નિવેદન સ્પષ્ટ કરે છે કે તાલુકા મથકના અધિકારીઓ ચેમ્બર બેસીને ઠપકાવાળા વહીવટ કરતા હોવાની લોકચર્ચાને મજબૂત કરે છે.
ડભોઈ તાલુકાના અનેક ગામોમાં વિકાસ કામોમાં ગેરરીતિના કેસો સામે આવ્યા છે. છત્રાલ ગામ પછી હવે થુવાવી ગ્રામ પંચાયત પર પણ ભ્રષ્ટાચારના આરોપો લાગતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે.
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તાલુકાના વિકાસ માટે સરકારમાં સતત રજુઆત કરીને મબલખ ગ્રાન્ટ લાવી રહ્યા છે. છતાં સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓ તાલુકા પંચાયતને “બાંધકામ કોન્ટ્રાક્ટ મંડળી”માં ફેરવતા હોય તેવો આક્ષેપ નાગરિકો દ્વારા થઈ રહ્યો છે.
આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે અને ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.