નશાની હાલતમાં અકસ્માત સર્જાયો હોવાની શંકા,
અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર, પોલીસ દ્વારા CCTVના આધારે શોધખોળ શરૂ
વડોદરા :;શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતા હાઈવે પર રવિવારે સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા એક આઈસર ચાલકે બાઈક પર સવાર બે યુવકોને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

મળતી માહિતી મુજબ, રવિવારે મોડી સાંજે તરસાલી હાઈવે પરથી બે યુવકો પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી ધસમસતા આવેલા આઈસર ડમ્પરના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા. જેમાં એક યુવક આઈસરના પૈડા નીચે આવી જતાં તેનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માત બાદ આઈસર ચાલક પોતાનું વાહન લઈ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રોજિંદા બનતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર ભારે વાહનોની બેફામ ગતિ અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડતા હોવા છતાં ટ્રાફિક પોલીસ કેમ મૌન છે? તેવા સવાલો ઉભા થયા છે. મૃતક યુવકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી, પોલીસ તેના વાહન નંબર અને અન્ય વિગતોના આધારે પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.