મંદિર પરિસરમાં જ દર્શન મામલે થયેલ મારામારી બાદ ટેમ્પલ કમિટી અને પોલીસ તંત્રની કાર્યવાહી
મોબાઈલ ઉપયોગના પ્રતિબંધનો ચુસ્તપણે અમલ તેમજ કડકપણે નિયમોનું પાલન કરાવતાં શિસ્તબદ્ધ રીતે દર્શન વ્યવસ્થા
ડાકોર
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરમાં જ દર્શન મામલે મંદિર પરિસરમાં જ શ્રધ્ધાળુઓ વચ્ચે જ મારામારી થવાની ઘટના બનવા પામી હતી.આ મામલો વધુ ઉગ્ર સ્વરૂપ પકડે તો વધારે વિવાદ થવાની સંભવિત પરિસ્થિતિને અનુલક્ષીને ડાકોર ટેમ્પલ કમિટી તેમજ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દર્શન સમયગાળામાં યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે કડકપણે નિયમોનું ચુસ્ત પાલન કરવા સહિત શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
ડાકોરમાં સોમવારે સવારે મંગળા આરતી દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિ હતી. ત્યારે દર્શન માટે મંદિર પરિસરમાં જ મંગળા આરતી સમયે શ્રદ્ધાળુ વૈષ્ણવો વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના બનવા પામી હતી . ત્યારબાદ આ મામલે પોલિસ અને રણછોડ સેનાએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડયો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી મંદિરમાં દર્શન વ્યવસ્થા અને મોબાઈલ બેરોકટોક ઉપયોગ બાબતનો મુદ્દો ઘણો જ વિરોધ વંટોળ ઉભો થયો હતો પરંતુ તંત્ર અને ટેમ્પલ કમિટીની રહેમનજર હેઠળ પરિસ્થિતિ યથાવત રહી હતી. દર્શન માટે પણ વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવતી હતી. પરંતુ મારામારીની ઘટના બાદ ડાકોર પોલીસ તેમજ ડાકોર ટેમ્પલ કમિટી હરકતમાં આવતાં તાત્કાલિક અસરથી જ નિયમોનુ ચૂસ્ત પાલન અને શિસ્તબદ્ધ રીતે દર્શન થાય તે માટે ખાસ આયોજન કરીને અમલીકરણ કરવામાં આવ્યું હતું.
ડાકોરમાં સોમવારે થયેલ ઘટના બાદ બીજા દિવસ મંગળવારથી જ રણછોડરાયજી ભગવાનના મંદિરમા સવારના 6.25 કલાકથી જ મંદિર બહાર ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . તેમજ દર્શનના નિયત સમયમાં મંદિરના દ્વાર ખુલવા સમયે ડાકોર પોલીસ તંત્રના જવાનો દ્વારા વ્યવસ્થિત રીતે લાઈનમાં શ્રદ્ધાળુ વૈષ્ણવોને મંગળા આરતીના દર્શન કરાવ્યા હતા.