દાહોદ :દાહોદ તાલુકાના ડુંગરા ગામે અંધશ્રધ્ધાનું ભુત વળગતાં એક મહિલા સહિત બે જણાને ચાર જેટલા ઈસમોએ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં બંન્ને ઈજાગ્રસ્તોને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર મામલે આ બનાવના ઉચ્ચ સ્તરીય પડઘા પડતાં આ મામલે દાહોદ જિલ્લા એસ.પી. દ્વારા આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યાં છે.
ડુંગરા ગામે ઉસરા ફળિયામાં રહેતાં પીદીયાભાઈ તથા વેલાબેન પોતાના ઘરે હાજર હતાં. આ દરમ્યાન તેમના ફળિયામાં રહેતાં મુકેશભાઈ છગનભાઈ માવી, રાજેશભાઈ મુકેશભાઈ માવી, સવિતાબેન મુકેશભાઈ માવી અને રાકેશભાઈ છગનભાઈ માવીનાઓએ તેમની પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકી ઓપી શાન્તુબેનને કહેવા લાગેલ કે, તમારી માં ડાકણ છે અને અમારા ઘર આગળ મેલી વિદ્યા કેમ મુકી ગયેલ છો, તેમ કહેતાં પીદીયાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાયાં હતાં અને પોતાની સાથે લાવેલ લાકડી વડે પીદીયાભાઈને માથાના ભાગે મારી માથુ લોહીલુહાણ કરી નાંખ્યું હતું ઉપરોક્ત ચારેય જણાએ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આ અંગેની જાણ પોલીસને કરાતાં પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી.