Dabhoi

ડભોઇ નગરપાલિકાની એક સામાન્ય સભા, ત્રણ એજન્ડા!

વહીવટની દશા પર સવાલ
(પ્રતિનિધિ), ડભોઇ
ડભોઇ નગરપાલિકાના વહીવટની ખામીઓ વારંવાર અખબારી કૉલમોમાં છપાઈ ચૂકી છે, જેને લઈ નગરજનોમાં વિવિધ ચર્ચાઓ અને સવાલો ઊભા થયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે શુક્રવાર તા. 06/03/2026ના રોજ યોજાવા જઈ રહેલી ડભોઇ નગરપાલિકાની સામાન્ય સભા કદાચ છેલ્લી સામાન્ય સભા બની શકે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ બેઠકમાં ત્રણ એજન્ડા જારી કરાતા તર્કવિતર્ક સર્જાયા છે.
આ ત્રણેય એજન્ડાની વિગતો નગરસેવકો સાથે સાથે અખબારના પ્રતિનિધિઓ સુધી પહોંચતા રાજકીય અને વહીવટી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ચર્ચા છે કે આ છેલ્લી સામાન્ય સભામાં ડભોઇ હદવિસ્તારમાં જોડાયેલા ટીંબી, તરસાણા, વેગા અને કજાપુર ગામોની મિલકતોના ભાડા બાબતે મહત્વપૂર્ણ ઠરાવ લાવવામાં આવી શકે છે. જેને લઈ ચારેય ગામોમાં ભારે વિરોધનો ગણગણાટ શરૂ થયો છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે આ ચાર ગામોને ડભોઇ નગરપાલિકામાં જોડવાના મુદ્દે હાઇકોર્ટમાં હજુ કેસ પેન્ડિંગ છે. છતાં આવા સંવેદનશીલ મુદ્દે અંતિમ તબક્કાની સામાન્ય સભામાં ઠરાવ લાવવાનો પ્રયાસ નગરજનો માટે ચિંતા જનક ગણાઈ રહ્યો છે.
આ બેઠકમાં ડભોઇ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. ખેડીયા સાહેબના નિધનને પગલે મૌન પાળવામાં આવશે, પરંતુ સાથે સાથે નગરજનો એ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે તેમની કામગીરી અને સેવાઓને યાદ કરી યોગ્ય સન્માન આપવામાં આવે.
આવનારી સામાન્ય સભા હંગામેદાર બનશે એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ ડભોઇ અને ત્રણ દિવસ રાજપીપળા ચાર્જ સંભાળતા ચીફ ઓફિસર, નગરસેવકો સાથેનો તેમનો વ્યવહાર પણ ચર્ચાનો વિષય બન્યો છે.

એક સામાન્ય સભા, ત્રણ જ એજન્ડા – ગંભીર ક્ષતિ?
એક મહત્વપૂર્ણ સામાન્ય સભામાં ત્રણ એજન્ડા હોવા એ વહીવટની ગંભીર ક્ષતિ કહેવાય કે નહીં? એ પ્રશ્ન હવે નગરજનો ખુલ્લેઆમ કરી રહ્યા છે. આ પરથી નગરપાલિકાની દશા અને દિશા બંને સ્પષ્ટ દેખાઈ રહી છે એવું પણ નગરજનોમાં માનવામાં આવી રહ્યું છે.
આવનારી બેઠકમાં કેટલાક સળગતા મુદ્દાઓ પર વિરોધ પક્ષની ભૂમિકા ખરેખર ડભોઇના હિતમાં રહેશે કે પછી માત્ર સત્તાની ભાગબટાઈ પૂરતી જ સીમિત રહેશે?
એ જોવું હવે મહત્વપૂર્ણ બની રહેશે.

રિપોર્ટર; દીપક જોશી

Most Popular

To Top