બે સગા ભાઈ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા, પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત
ડભોઇ, વડોદરા: રાજ્યમાં અવિરત હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અકસ્માતોની વણથંભી વણઝારનો વધુ એક લોહિયાળ બનાવ વડોદરા નજીક ડભોઇ તાલુકાના ગોપાલપુરા પાટિયા પાસે બન્યો હતો. એક બોલેરો ચાલકે ત્રણ સવારી બાઇકને અડેફેટે લેતા ધડાકાભેર ફંગોળાયેલા 3 લોકોમાથી બે સગા ભાઈઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અને હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટુંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું.

પોલીસ સુત્રો દ્વારા એવું જાણવા મળ્યુ હતુ કે ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રો તેમના ગામ તરફ પરત ફરી રહ્યા હતા તે વખતે બોલેરોના ચાલકે પુર ઝડપે ટક્કર મારી હતી.
અકસ્માતમાં મોતને ભેટેલા મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને તેમણે તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.બોલેરો ચાલાક અકસ્માત સર્જી થયો ફરાર થઈ ગયો હતો.પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.સાથે જ બોલેરો ચાલકની શોધખોળ માટે તજવીજ હાથ ધરાઇ છે. હૃદય દ્રવી ઊઠે તેવા ગોઝારા અકસ્માતની ઘટના અંગે 108ની ટિમ તથા પોલીસને જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.