ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ: ઉપરવાસમાં સતત વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો છે. ગતરોજ થી અંદાજિત 01 લાખ 45 હજાર ક્યુસેક પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયું છે.ડભોઇ lના સાત અને સિનોરના આઠ ગામોને તંત્ર ધ્વારા એલર્ટ કરાયા છે.જેમાં ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી,નંદેરીયા,ભીમપુરા સહિતના નર્મદા નદી કાંઠાના ગામોને તંત્ર ધ્વારા એલર્ટ કરાયા છે. હાલમાં નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી અને નદીમાં ઘોડાપુર પાણીનું વહેણ હોય હોડીચાલક નાવિકોને નદીમાં હાલની પરિસ્થિતિને લઈ નહીં જવા સૂચનો અપાયા છે.જેથી બચાવ કામગીરી સિવાયની હોડીઓને કિનારે લાંગરી દેવામાં આવી છે.

ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 72 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બે કાંઠે વહેતી થઈ હતી.
હાલ તો નદીનો પ્રવાહ ભયજનક સપાટીથી ઘણો દૂર જોવા મળી રહ્યો છે.નર્મદા નદીમાં પાણીનો વધતો પ્રવાહ ગત રાત્રીથી સ્થિર જોવા મળ્યો હતો. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે વિધિ વિધાન અને નર્મદા સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓ નદી કિનારા નો આહલાદક નજારો જોઈ રાજીના રેડ થઈ ગયા હતા.