ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ |
ડભોઇ સેશન કોર્ટે સગીરાને ભગાડી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવવાના ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની કઠોર કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપી પર રૂ.25,000 નો દંડ અને ભોગ બનનાર સગીરાને લીગલ ઓથોરિટી સેલ મારફતે રૂ.10.40 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ડભોઇ તાલુકાના એક ગામની સગીરાને પટાવી, ફોસલાવી તથા ધાક-ધમકી આપી સંજય ઘનશ્યામભાઈ વસાવા નામના આરોપીએ ભગાડી હતી. આરોપી સગીરાને લાંબા સમય સુધી પોતાની સાથે રાખી પોલીસ અને પરિવારજનોની નજરથી દૂર રહ્યો હતો. આ દરમ્યાન સગીરાની ઇચ્છા વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કરાતા તે ગર્ભવતી બની હતી.
સગીરાના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સગીરા તથા આરોપીના મેડિકલ રિપોર્ટ, તપાસના દસ્તાવેજી પુરાવા, સગીરાની જુબાની અને સરકારી વકીલની અસરકારક દલીલોને આધારે સેશન કોર્ટે આરોપીને દોષિત ઠેરવી કઠોર સજા સંભળાવી હતી.
સજાનો હુકમ સંભળાતાં જ આરોપીના સગાસંબંધીઓ સહિત કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
રિપોર્ટર— સઈદ મનસુરી, ડભોઇ