Dabhoi

ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન

ડભોઇ: ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓમાં જાગૃતિ લાવવા જાહેર સ્થળે નાટ્યાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “રંગલો” અને “રંગલી”ના પાત્રો દ્વારા રમૂજી અને સંદેશાત્મક નાટક ભજવી મહિલાઓને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન એસ.ટી. ડેપો ખાતે મુસાફરી માટે ઉભેલી મહિલાઓ તેમજ કોલેજ, હાઈસ્કૂલ અને શાળામાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને નાટક દ્વારા રજૂ કરાયેલી મહિલા જાગૃતિની માહિતી રસપૂર્વક માણી હતી.

નાટક મારફતે સરકાર દ્વારા મહિલાઓને આપવામાં આવતી સુરક્ષા, સમાજમાં મહિલાઓને મળતું સન્માન, મહિલાઓ પર થતા અત્યાચાર, તેના નિવારણ માટેના પગલાં તેમજ કાનૂની, પોલીસ અને એન.જી.ઓ. જેવી મહિલાઓને મદદરૂપ થતી સંસ્થાઓ અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત વ્યસન મુક્તિ, સાયબર ક્રાઇમ અંગે સાવચેતી, પોલીસ મદદ નંબર 112, સાયબર ક્રાઇમ હેલ્પલાઈન 1930, મહિલા અભયમ 181 તથા PBSC (મહિલા સહાયતા કેન્દ્ર) જેવી સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર રહેલી મહિલાઓને મહિલા સહાયતા કેન્દ્રના પેમ્પ્લેટ્સનું વિતરણ કરી, જરૂર પડ્યે મદદ કેવી રીતે મેળવવી તેની માહિતી પણ આપવામાં આવી હતી.

અહેવાલ— સઈદ મનસુરી, ડભોઇ

Most Popular

To Top