Dabhoi

ડભોઇમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ બનેલી કુમારશાળા નં. 01 જોખમી


ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ:
ડભોઇ નગરના મોતીબાગ વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ નિર્માણ કરાયેલ કુમારશાળા નંબર 01નું નવીન બિલ્ડિંગ લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ જોખમી બનતાં ભારે ચકચાર મચી છે. રૂપિયા 1.20 કરોડના ખર્ચે બાલાજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા બે વર્ષની જવાબદારીના કરાર હેઠળ બનાવાયેલ આ શાળા બિલ્ડિંગનો પશ્ચિમ દિશાનો એક ભાગ લગભગ બે ઇંચ જેટલો બેસી ગયો હોવાનું સામે આવ્યું છે, તેમજ તળીયાથી નળિયા સુધી મોટી તિરાડો દેખાવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે જૂનું શાળા બિલ્ડિંગ તોડી 14 જાન્યુઆરી 2026ના મકરસંક્રાંતિ બાદ શુભ મુહૂર્તમાં શ્રીફળ વધેરી, હારતોળા કરી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓને નવા બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવે તે પહેલાં જ બિલ્ડિંગની ગંભીર ખામીઓ સામે આવતાં ભૂલકાઓના જીવને જોખમ ઉભું થયું હોવાનું વાલીઓમાં ચિંતા અને આશ્ચર્ય ફેલાયું છે.
રાજ્ય સરકાર દ્વારા ડભોઇ નગરમાં વિવિધ વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, પરંતુ આવા નિર્માણ કામોમાં થતી ગોબાચારી અને ભ્રષ્ટાચાર ઉપર દેખરેખ રાખવામાં જવાબદાર અધિકારીઓ નિષ્ફળ રહેતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. પરિણામે સરકારનો વિકાસનો હેતુ સિદ્ધ થતો ન હોવાની લાગણી નાગરિકોમાં જોવા મળી રહી છે.
શાળાનું લોકાર્પણ થયાને હજુ પંદર દિવસ પણ થયા નથી ત્યાં બિલ્ડિંગમાં તિરાડો પડતાં ભ્રષ્ટાચારની ભૂરંગો ગાજી ઉઠી છે. જાણવા મળ્યા મુજબ, બિલ્ડિંગનું રંગરોગાન પૂર્ણ થતાં જ કોન્ટ્રાક્ટ કંપનીને બિલની અડધાથી વધુ રકમ ચૂકવી દેવાઈ છે. જોકે હાલ વિદ્યાર્થીઓ હજુ પણ કન્યાશાળા બિલ્ડિંગમાં અભ્યાસ કરી રહ્યા છે અને નવા બનેલ કુમારશાળા નં. 01માં પ્રવેશ અપાયો નથી.
નવીન અને આધુનિક ડિઝાઇન સાથે બનેલ શાળા બિલ્ડિંગ અભ્યાસ શરૂ થવા પહેલાં જ જોખમી બની જતા ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.

: સવા કરોડના ખર્ચે બનેલ શાળા બિલ્ડિંગમાં મોટી તિરાડ
ડભોઇના મોતીબાગ વિસ્તારમાં આવેલી કુમારશાળા નં. 01ના નવીન બનેલ બિલ્ડિંગમાં રંગરોગાન અને લોકાર્પણ બાદ, વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે પહેલાં જ મોટી તિરાડો જોવા મળતાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સમગ્ર શિક્ષા યોજના હેઠળ બનેલ આ શાળાના ક્ષતિગ્રસ્ત બાંધકામથી વાલીઓમાં ભય અને બાળકોના જીવના જોખમ અંગે ચિંતા વ્યાપી છે.
: ડભોઇમાં વિકાસના ભ્રષ્ટકામોથી વિવાદ
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના વચનો સાથે સત્તામાં આવેલી ભાજપ સરકાર હાલમાં ગ્રામ્ય સ્તરથી સંસદ સુધી બહુમતીમાં છે. તેમ છતાં ડભોઇમાં વિકાસના કામો ભ્રષ્ટાચારના વિવાદમાં ફસાતા આશ્ચર્ય સર્જાયું છે. અગાઉ રંગઉપવન બગીચાના રૂપિયા 2.34 કરોડના નવીનીકરણ બાદ સાધનો તૂટી પડ્યા હતા અને કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા. મોતીબાગ પાસે અમૃત–02 યોજના હેઠળ રૂપિયા 1.10 કરોડની પાણીની ટાંકી પણ નિષ્ક્રિય બની છે. હવે કુમારશાળા નં. 01ના નવીન બિલ્ડિંગમાં તિરાડો પડતાં વિકાસના કામો ફરી વિવાદમાં આવ્યા છે

: અમદાવાદ જેવી ઘટના થવાની દહેશત
ગત વર્ષે અમદાવાદમાં એક શાળાની દીવાલ ચાલુ વર્ગ દરમિયાન તૂટી પડતાં 10 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના અખબારો, સોશિયલ મીડિયા અને ટીવી ન્યૂઝ મારફતે ડભોઇના નાગરિકોએ પણ જોઈ હતી. હવે કુમારશાળા નં. 01માં પડેલી તિરાડોને કારણે વાલીઓમાં એવી જ ઘટના પુનરાવર્તિત ન થાય તેવી ભયની લાગણી ઊભી થઈ છે.

રિપોર્ટર: સઈદ મનસુરી, ડભોઇ

Most Popular

To Top