દર્ભાવતી નગર ‘સ્માર્ટ સિટી’ નહીં, દાવાઓ વચ્ચે ‘નર્કાવતી’ બનતું જઈ રહ્યું છે
ડભોઇ: શહેરને સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા ચિંતાજનક બની રહી છે. નગરપાલિકાની ડ્રેનેજ શાખાની નિષ્ક્રિયતા અને આંતરિક જુથબંધીના કારણે શહેરની સ્વચ્છતા સતત બગડતી જઈ રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જાણવા મળ્યું છે કે ડ્રેનેજ શાખાના ચેરમેન અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મનમેળ ન હોવાને કારણે કામગીરી અસરગ્રસ્ત બની છે.

નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ દ્વારા દરેક કાર્યમાં સીધો હસ્તક્ષેપ થતો હોવાના કારણે ડ્રેનેજ શાખાના કર્મચારીઓ નિરંકુશ બન્યા હોવાનો આરોપ છે. આ આંતરિક ખેંચતાણનો ભોગ અંતે નગરજનો બની રહ્યા છે. પરિણામે ડભોઇ શહેર ‘સ્માર્ટ સિટી’ બનવાની બદલે સ્વચ્છતાના દાવાઓ વચ્ચે ‘નર્કાવતી’ તરફ ધકેલાઈ રહ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
ખાસ કરીને નગરપાલિકાના વોર્ડ નંબર–3માં આવેલી વેરણિયા વાગા વિસ્તારમાં મેન ગટર લાઈનો સતત ઉભરાતી હોવાથી આખો વિસ્તાર ગટરના ગંદા પાણીમાં ગરકાવ થયો છે. બેગવાડા રોડ પર પાણી ભરાઈ રહેતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગટરના પાણીના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ અને આરોગ્ય સંબંધી જોખમ ઊભું થયું છે. આ વિસ્તાર પાસે શાળા તથા બેંક આવેલી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ છે.
સ્થાનિક કોર્પોરેટર દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. એક તરફ “ડભોઇને સ્વચ્છ બનાવીએ” જેવા સૂત્રો સાથે પ્રચાર થાય છે, જ્યારે બીજી તરફ જમીન પર વાસ્તવિક અમલનો અભાવ દેખાઈ રહ્યો છે.
નગરપાલિકા દ્વારા સામાન્ય નાગરિકો પર કચરો નાખવા બદલ દંડની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે નગરપાલિકાની બેદરકારીથી જો ગટરના ગંદા પાણી રોડ અને રહેણાંક વિસ્તારોમાં ફેલાય છે, તો જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે? કે પછી નિયમો માત્ર નાગરિકો માટે જ લાગુ પડે છે? લોકો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ધોરણે ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ, નવી ગટર લાઈનોનું કામ તથા જવાબદાર અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી નહી કરવામાં આવે તો વોર્ડ નંબર–3ના રહીશો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશે, જેની સંપૂર્ણ જવાબદારી ડ્રેનેજ શાખાના ચેરમેન, નગરપાલિકા પ્રમુખ તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓની રહેશે.
રિપોર્ટર: દીપક જોશી