Dabhoi

ડભોઇના અરણ્યા ગામના બુટલેગરને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલાયો

કડક કાર્યવાહીથી ડભોઇ પંથકના અસામાજિક તત્વોમાં ફફડાટ

ગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇ
ડભોઇ તાલુકાના ઔરસંગ નદીના અંતરિયાળ કાંઠા વિસ્તારમાં આવેલા અરણ્યા ગામના બુટલેગરને જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ પાસા હેઠળ ધરપકડ કરી ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પાસા હેઠળની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અરણ્યા ગામમાં રહેતા બુટલેગર દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારીયાના ઘરે ડિસેમ્બર 2025માં એક જ સપ્તાહ દરમિયાન બે વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પ્રથમ વખત જિલ્લા એલસીબી દ્વારા છાપો મારી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એ જ સપ્તાહમાં બીટ જમાદારે ફરી તેના ઘેરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
આ મામલે ડભોઇ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા બુટલેગર સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત ડભોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. એમ. ચાવડા મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું અને આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

દારૂ વેચે છે, છતાં કેસ નથી?
“જૂની આંખે, નવા તમાશા”

આજથી પાંચ વર્ષ અગાઉ કોઈપણ પોલીસ સ્ટેશનમાં PSOના ટેબલ પર લિસ્ટેડ બુટલેગરોની યાદી જોવા મળતી હતી. આજે એ યાદી તો દૂર, કેટલાક ખુલ્લેઆમ દારૂ વેચતા હોવા છતાં તેમના સામે ફરિયાદ પણ થતી નથી.
ક્યારેક કાર્યવાહી થાય તો પાંચસો રૂપિયે રોજ પર રાખેલા નોકર સામે કેસ ઉભો કરાય છે, જ્યારે મુખ્ય સૂત્રધારો બચી જાય છે. બીજી તરફ, એક જ વાર પકડાયેલા વ્યક્તિ સામે પાસા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે — “છીંડે ઝલાય તે ચોર” જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર: સઈદ મનસુરી

Most Popular

To Top