માર્ગમાં પડી ગયેલા ખાડાના સમાર કામ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા તે ક્યાં ગયા?
ગોધરા:
હાલ ચોમાસાની ઋતુ બાદ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. ત્યારે શહેરા તાલુકાના ટીંબા પાટિયાથી કાંકણપુર-ઉદલપુર તરફ જતા માર્ગમાં તાળવા પટેલ ફળિયું અને નિશાળ ફળિયા પાસે મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હોવાથી તે ખાડા દેખાતા નથી. ત્યારે વાહન ચાલકો વારંવાર આ ખાડાઓમાં પડતા હોય છે. જેથી સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. આ ખાડાઓના કારણે કેટલાક બાઇક સવારો નીચે પણ પડ્યા છે. પરંતુ તંત્રને તો કઈ દેખાઈ રહ્યું જ નથી . આ ખાડાઓમાં વાહન ચાલકો ના પડે એટલા માટે ખાડાઓમાં ડાળી ડાળખા મૂકી દેવાયા છે . તો કામદારોને પહેરવામાં આવતા યુનિફોર્મ ડાળખીઓને પહેરાવી ઉભા કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ શુ સમજવો ?
તંત્રને ખાડા દેખાઈ છે કે નહીં ? તંત્ર આ ખાડાઓ પુરશે કે પછી લોકોને નીચે પડતા જોવાના છે ? સરકાર એક તરફ ખાડાઓ પુરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, તો આવા મોટા ખાડાઓમાં ઉપયોગી થશે કે બીજી કોઈ અન્ય જગ્યાએ ? આ રસ્તા ઉપર આ મોટા ખાડાઓના લીધે કોઈ ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ? માર્ગ અને મકાન વિભાગ આ ખાડાઓનું સમારકામ કરશે કે કેમ એ પણ હવે જોવાનું રહ્યું છે.