Vadodara

ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી


વડોદરા: શહેરમાં ફરી એક વખત પાલિકા કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી થયેલી નબળી રોડ કામગીરી સામે આવી છે. ફતેપુરા વિસ્તારમાં માર્ગ પર અચાનક બનેલા ખાડામાં ટ્રકના ટાયર ખૂંપી જતા ટ્રક એક બાજુ નમી પડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ હરિયાણાથી ચોખા ભરેલો એક મોટો ટ્રક વડોદરા આવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાંથી પસાર થતી વખતે રોડની નબળી સ્થિતિને કારણે ટ્રકના ટાયર રોડમાં ધસી ગયા, પરિણામે ટ્રક સંતુલન ગુમાવી એક બાજુ ઢળી પડ્યો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભેગા થઈ ગયા હતા.

ટ્રકને ખાડામાંથી બહાર કાઢવા માટે અંતે ક્રેન બોલાવવી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ભારે વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.

આ ઘટનાએ ફરી એકવાર રોડ બનાવવાની કામગીરીમાં ગુણવત્તા બદલે માત્ર વેઠ ઉતારવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ ઉભો કર્યો છે. શહેરમાં નવા બનેલા માર્ગો પણ ટૂંકા સમયમાં જ ધસી પડતા હોવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે, ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top