ગુજરાતી ભાષામાં ઘણી સારી સારી કહેવતો છે જે પરિસ્થિતિને એક જ સીધી લીટીમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકે છે. છેલ્લાં 27 વર્ષથી જે સરકાર ગુજરાતને પોષી રહી છે,જે હંમેશા વિકાસનાં ગાણા ગાતી રહે છે,તેના રાજમાં આજે ગુજરાત અને ગુજરાતીઓ ચારે તરફથી ભીંસાઈ રહ્યાં છે.તક્ષશિલા કાંડ, મોરબી પુલ દુર્ઘટના, પેપર ફૂટવાની અસંખ્ય ઘટનાઓ અને હવે રૂપિયા આપીને વગર પરીક્ષાએ સીધા અધિકારી બનવાની વાત જ્યારે સામે આવી રહી છે,ત્યારે હાલમાં જ 156 સીટો સાથે સરકાર બનાવી આપનાર દરેક ગુજરાતી પોતે છેતરાયો છે,તેવું મહેસુસ કરી રહ્યો છે. તે મનમાં ને મનમાં ઘૂંટાઈ રહ્યો છે.તેનો આક્રોશ ક્યાં જઈને વ્યક્ત કરે તેની પણ સમજણ હવે તેની પાસે રહી નથી.ખરેખર લાગે છે ગુજરાતમાં ચારેય બાજુ બસ કિચડ જ કિચડ છે એટલે જ આટલા વધુ કમળ ખીલી રહ્યાં છે.આટલી જંગી બહુમતીથી સરકાર બનાવી આપવા છતાં પણ, આજે પ્રજા માટે અવાજ ઉઠાવી શકે તેવો એક પણ નેતા સરકારમાં નથી.બધા જ એક વ્યક્તિની સામે લાચાર,મજબૂર,બેબસ,ડરપોક અને નિર્વીર્ય બની ગયા હોય તેવું ગુજરાતની પ્રજા અનુભવી રહી છે. જે રામના નામે લોકોને છેતરવામાં આવે છે,એ રામ જ હવે પ્રજાને બચાવે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રૂઠે હુવે સનમ કો કબસે મના રહા હું…
રખેમાની લેતા કે આ શબ્દો કોઈ ફિલ્મ-સ્ટોરીમાં એક્ટર કે એક્ટ્રેસનાં મોઢે પ્રેમ-રોમાન્સ યા એકબીજાને દિલથી ચાહનારા સમર્પિત થનારાઓનાં લૌકિક પ્રેમના રિસામણાં-મનાવણાં સંદર્ભે છે!! ગુજરાતભરની નામી ભજનિકો-ગાયકો સંતો અને સાહિત્યવિદોનાં હૃદયમાં જેમણે ભક્તિની ઊંડી છાપ છોડીને ખૂદાને પ્યારા થયેલ ભક્તકવિ સંત શત્તારશાહ રચિત ગઝલમાંથી ઉપરોક્ત શબ્દો આવિર્ભાવ પામ્યા છે. તેમના પદો, ભજનો, ગઝલો અને કવ્વાલીઓ મોટા મોટા સંત ડાયરાઓમાં ગુંજતી રહે છે. શબ્દો ભલે દ્વિઅર્થી લાગે,
તેમ છતાં સત્તાર બાપુનો હૃદયનો પોકાર માત્ર ને માત્ર પરવરદિગાર સંદર્ભે છે. સંત-ચરણરજના નાને જીવનમાં ક્યાંય ઉણપ-કચાશ રહી જતી હોય, વિનય-વિવેકમાં કશું ચૂકી જવાતું હોય તો ખૂદાને ખેલદિલીથી આંતરનો પોકાર થકી બધુ દરગુજર કરવા સત્તાર બાપૂ આજીજી કરે છે- પ્રિયપાત્રના નાતે!!
કાકડવા (ઉમરપાડા) – કનોજભાઈ વસાવા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.