પોતાનો અભ્યાસક્રમ પૂરો કરીને આશ્રમ છોડીને જતાં શિષ્યો ગુરુજીને આખરી પ્રણામ કરવા આવ્યા.ગુરુજીએ બધાને આશીર્વાદ આપ્યા.એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, અમને કોઈ એવી છેલ્લી શીખ આપો, જે અમને જીવનમાં કોઈ પણ ભૂલ કરતાં અટકાવે.’ ગુરુજી બોલ્યા, ‘તમે બધા મારા શિષ્યો છો.મેં તમને બધાને એકસરખું જ્ઞાન આપ્યું છે અને તમે બધાએ તે જ્ઞાન પોતપોતાની ક્ષમતા મુજબ પચાવ્યું છે ,મેળવ્યું છે.હવે મારે તમને કંઈ શીખવવાનું બાકી નથી, પણ એક ગુરુ તરીકે મારી અંતિમ સલાહ છે કે ‘જ્ઞાન અને ભાન હંમેશા સાથે રાખજો.’ ગુરુજીની આ એક વાક્યની સલાહમાં છુપાયેલો અર્થ શિષ્યોને બરાબર સમજાયો નહિ પણ એટલું ચોક્કસ સમજાયું કે ગુરુજી કોઈ ગૂઢ વાત સમજાવવા માંગે છે. બધા શિષ્યોએ હાથ જોડીને વિનંતી કરી કે, ‘ગુરુજી, તમે હમણાં જે સલાહ આપી તેનો અર્થ અમને બરાબર સમજાવો.’
ગુરુજી ફરી બોલ્યા, ‘શિષ્યો, હું ઈચ્છું છું કે તમે મારી પાસેથી મેળવેલા જ્ઞાનને ક્યારેય ભૂલતા નહિ. હંમેશા ગાંઠે બાંધી રાખજો અને વધારતા રહેજો અને સાથે સાથે હંમેશા સભાન રહેજો.મારી આ વાત સમજાવું તો ‘સાચું જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ છીએ તેનું ભાન. એટલે કે તમે કેટલું જ્ઞાન ધરાવો છો? કઈ બાબતના કેટલા જાણકાર છો? કઈ આવડત તમારામાં છે? તમે કયું કાર્ય કરી શકશો? કઈ બાબતમાં તમને સમજ પડશે? આ બધા સવાલોના સભાનતાપૂર્વકના જવાબ તમને પહેલેથી ખબર હોવા જોઈએ અને જીવનમાં આપણા જ્ઞાન પ્રમાણેની બાબતમાં જ બોલવું.જ્ઞાન પ્રમાણેનું જ કામ હાથમાં લેવું.જાણકારી પહેલેથી મેળવી લેવી. આ બધી બાબતોમાં સભાન રહેવું અને હવે સમજો.
‘ભાન એટલે કયારે શું કરવું અને કયારે શું ન કરવું તેનું જ્ઞાન.’આ સભાનતા એટલે જીવનમાં ક્યા સમયે, ક્યાં, કયા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કે પછી શું બોલવું જોઈએ કે શું ન બોલવું જોઈએ.કયું કામ હાથમાં લેવું જોઈએ કે કયું કામ ન લેવું જોઈએ તેનું જ્ઞાન હોવું જરૂરી છે.એટલે મેં તમને કહ્યું કે જીવનમાં જ્ઞાન અને ભાન સાથે રાખજો. ભાન વિનાનું જ્ઞાન નકામું છે અને જ્ઞાન વિનાનું ભાન પણ વ્યર્થ છે.જ્ઞાન અને ભાન સાથે લઈને આગળ વધજો તો જીવનમાં કોઈ તમને અટકાવી નહિ શકે.’ગુરુજીએ અંતિમ સલાહના સ્વરૂપમાં અણમોલ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.