Vadodara

જેસીબીના ચાલકે ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવ્યા,જોખમી સવારીનો વીડિયો વાયરલ

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી,ત્યાંતો કેટલાક ચાલકો અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યા બંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો. જો કોઈ અકસ્માત સર્જાત તો જવાબદાર કોણ તેવા સવાલો પણ આ દ્રશ્યો પરથી ઉઠવા પામ્યા છે.

વડોદરા શહેર અને હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ધરખમ વધારો થયો છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના પાપે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આજે પણ ક્યાંકને ક્યાંક ચાલકો , પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી જોવા મળી રહી છે. કાયદો હોવા છતાં કેટલાક કટકી બાજો અને હપ્તાખોરીના રાજના કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે. અને પોતે પોતાનો અને બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. તેવા એક જોખમી સવારીનો વીડિયો આજે વાયરલ થયો છે. શહેરના પૂર્વ વિસ્તાર ખોડિયાર નગર ચાર રસ્તાથી દરજીપૂરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી હતી. જેનો વીડિયો નજીકમાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો. આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મીની આની પર નજર ના પડી એ એક મોટો પ્રશ્ન છે. જો આ જેસીબીથી કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ ? અગાઉ પણ ઘણી વખત આવી જોખમી સવારીના વીડિયો વાયરલ થયા છે. જોકે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવતા આજે પણ આ જોખમી સવારીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.

Most Popular

To Top