Columns

જીવનનો શ્રેયમાર્ગ કયો?

આપણે સમજ્યા કે ભગવાનની પ્રાપ્તિ કે સાક્ષાત્કાર માટે કોઈ બાહ્ય આવડત કે યોગ્યતાની જરૂર નથી, ત્યાં તો સાચા ભક્તિભાવની જ અનિવાર્યતા છે. હવે ભગવાન કૃષ્ણ સમજાવે છે કે ન્યૂન વ્યક્તિ પણ જો ભગવાનને પામી શકતી હોય તો પછી જે સાચા ભક્ત છે, તે તો અવશ્ય આ અનિત્ય સંસારમાં રહીને પણ મને ભજે છે. અહીં સંસારને अनित्यम् અને असुखम् (9/33) કહેવામાં આવ્યું છે. છતાં લોકો આ પ્રેય એટલે કે મનપસંદ સંસારી માર્ગ પર જવા તત્પર હોય છે. આવો આ બાબતને વિસ્તારથી સમજીએ.

હા,માનવી સમક્ષ બે નિરાળા માર્ગો છે. એક પ્રેય અને બીજો શ્રેય. માણસે એ બેમાંથી પસંદગી કરવાની છે. જગતના સુખોનો, ઉપભોગનો માર્ગ માણસને મોહ પમાડી લલચાવે છે તે પ્રેય કહેવાય જ્યારે બીજા માર્ગ શ્રેયમાં આધ્યાત્મિક કલ્યાણ છે અને તે શાસ્ત્રોની આજ્ઞા અને ઉપદેશો ઉપર રચાયો છે, પણ મોટા ભાગના મનુષ્ય તેનાથી દૂર ભાગે છે. કારણ કે અલ્પ દૈહિક સુખમાં ઓતપ્રોત માનવીને ભવિષ્યની વિપદા અને પરિણામી દુઃખનું ભાન નથી રહેતું. એ જ રીતે શ્રેયમાર્ગના આરંભિક કડવા અનુભવને ચાખી લીધા પછી કોક વિરલ પુરુષ જ તેના અંતિમ શાશ્વત પરિણામી સુખ સુધી પહોંચે છે. માયાળુ માર્ગદર્શકની જેમ ધર્મ મનુષ્યને શ્રેયને માર્ગે વાળે છે પણ અનિશ્ચિતવૃત્તિવાળો મનુષ્ય તાત્કાલિક લાભ તરફ જોઈ પ્રેય માર્ગ પકડે છે. તે ધાર્મિક ગ્રંથોએ બતાવેલ દીર્ધકાલીન સુખના માર્ગથી વંચિત રહે છે. વિવેકી અને નિશ્ચયાત્મક બુદ્ધિવાળા સજ્જનો શ્રેય માર્ગ પસંદ કરી બીજાને પણ આ સાચે માર્ગે જવાની પ્રેરણા આપે છે.

આજના માનવીને શ્રેયકારક ધાર્મિક ઉપદેશો, આત્મસંયમ અને યમનિયમો આકરા અને બંધનરૂપ લાગે છે કારણ કે એ એના મનને અવરોધરૂપ છે. આમ હોવાથી તે આધ્યાત્મિક સાધનાનો તિરસ્કાર કરે છે. તેનામાં ધાર્મિક વિધિ નિષેધોના નિયમોનું પાલન કરવાના સંસ્કાર પહેલેથી હોતા નથી. તેમજ તંદુરસ્ત જીવનના નિયમો માટે ધાર્મિક ઉપદેશોની કાર્ય સાધકતાની કદર કરતાં તે શીખ્યો નથી, આથી કુદરતી રીતે તેનામાં આવી વિપરીત લાગણી જન્મે છે. પરિણામે શ્રેયમાર્ગથી દૂર પ્રેયમાર્ગ પર વધુ તીવ્રતાથી દોડવા લાગે છે. પ્રેયમાર્ગે ચાલીને વ્યક્તિએ કેવળ ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી હોય પણ જો તેણે આંતરિક વિકાસ સાધી જીવન ચેતનવંતુ બનાવવાની શક્તિ ખીલવી ન હોય તો તે સુખી બની શકતો નથી. આવો વિકાસ સાધવા માટે ધર્મશાસ્ત્રોમાં કહેલાં શ્રેયકારક યમ-નિયમોનું સમજપૂર્વક પાલન કરવું જરૂરી છે.

શ્રેયમાર્ગે ચાલવું કઠણ છે એમ કહીને ધાર્મિક નીતિ-નિયમોની અવગણના કરવી એ કદાપિ યોગ્ય ન કહેવાય. કેમ કે મનુષ્યના વ્યક્તિત્વને ઓપ આપી જીવનને આનંદી બનાવવામાં મદદ કરવાનું ધર્મનું કર્તવ્ય છે. મનુષ્યના આંતરિક વ્યક્તિત્વને સ્પર્શતા નિયમોની સાચી અને બુદ્ધિપૂર્વક સમજ દ્વારા ઉચ્ચ આદર્શો ધ્યાનમાં લઈ જીવન દૃષ્ટિને વિશાળ બનાવી શકાય છે. જેમ જેમ માનવીનો આધ્યાત્મિક વિકાસ થતો જાય તેમ તેમ તેનામાં રહેલી પાશવી વૃત્તિઓ આપોઆપ ખરતી જશે. નીચવૃત્તિઓ દૂર થઈ માનવની મનોવૃત્તિ ઊર્ધ્વગામી બને તેને વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થયું કહેવાય, એટલે કે તે શ્રેયમાર્ગનો પથિક થયો છે એમ કહેવાય.શ્રેયમાર્ગનો સાચો પથિક લૌકિક હાનિ-લાભના આવેગોમાં સ્થિર રહે છે.

માન-અપમાનના ઝંઝાવાતોમાં પણ તેની આંતરિક સ્થિતિ ડગતી નથી. અજ્ઞાનના ઘાટા અંધકારમાં પણ પ્રભુના પ્રકાશથી પ્રદીપ્ત રહે છે. આમ સમજણ પૂર્વક સ્વીકારેલો શ્રેયમાર્ગ તેને ભગવત્પ્રાપ્તિરૂપ લક્ષ્ય સુધી અવશ્ય પહોંચાડે છે.શ્રેયમાર્ગનું અંતિમ લક્ષ્ય સુખ અને શાંતિ હોવા છતાં લોકોને પ્રેયમાર્ગ તરફ વળવું કેમ ગમે છે? તો જીવનો એ તરફનો પુરાણો ઢાળ છે. અનેક જન્મોથી જીવને પંચવિષયના પાશ લાગ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં આસક્ત માણસને શ્રેયમાર્ગે વળવું અતિશય કઠણ પડે છે. આ કઠણતા દૂર કરવા ભગવાન અને સંતની આવશ્યક્તા રહે છે. ભગવાન અને સંત કૃપા કરીને મુમુક્ષુની આ કઠણ સાધનાને સરળ બનાવી દે છે.

ભગવાન સ્વામિનારાયણે સારંગપુર પ્રકરણના દસમા વચનામૃતમાં કહ્યુઃ ‘‘અને એવા ભક્તની રીત તો આમ છે જે પંચવિષય તે ભગવાન સંબંઘી ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં !’’ આમ શ્રીહરિએ જણાવ્યું કે પૃથ્વી પર જન્મ લેનાર કોઈ પણ વ્યક્તિ પંચવિષય વગર ન રહી શકે પરંતુ આ જગત સંબંધી પંચવિષયનું સ્થાન ભગવાન સંબંધી પંચવિષય પ્રાપ્ત કરે તો મુક્તિનું કારણ બને છે અને તે મુમુક્ષુ શ્રેયમાર્ગને સાધી લે છે. તો આવો આપણે પણ મનને લોભાવનાર પ્રેયમાર્ગ છોડી અંતિમ શ્રેય સાધીએ.

Most Popular

To Top