Charchapatra

જીવનના રંગોને સ્વીકારીએ

જીવનના અનેક રંગો  છે. કેટલાક ગમતાં તો કેટલાક ન ગમતાં. જેમ ગમતાં રંગોનું સ્થાન છે તેમ નહીં ગમતાનું પણ સ્થાન હોય છે. ગમે કે ન ગમે પણ, ન ગમતાં રંગોનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી હોતો. લાલ, ગુલાબી, ભૂરો વગેરે રંગોની સાથે ભૂખરો, કાળો રંગ જીવનનો હિસ્સો છે. મનગમતા સુખના રંગોને ભરપૂર માણી લઈએ, ન ગમતાં દુઃખના રંગોમાંથી પણ આનંદ મેળવવા પ્રયત્ન કરીએ તો જીવન સાચા અર્થમાં રંગીન બનશે. કોઈ રંગ કાયમ ટકતો નથી એ વાત ધ્યાનમાં રાખીએ તો વધુ પડતા ખુશ કે વધુ પડતા દુઃખી થવાનું ન આવે.

જે મળે એનો સહજભાવે સ્વીકાર કરીએ તો જીવનનું ચિત્ર મસ્ત મજાનું બને છે. આપણી સાચી સમજણ અને સકારાત્મક અભિગમ જીવનને મધુર બનાવે છે. આ દિવસ પણ ચાલ્યો જશે એ ઉક્તિ મુજબ આ રંગ પણ ચાલ્યો જશે ની પરિપક્વ સમજણ જીવન જીવવાનું નવું બળ પૂરું પાડે છે. ચાલો, જીવનને જેવું હો એવું સ્વીકારવાની, કોઈ ફરિયાદ વગર જીવવાની સમજણ અને ટેવ કેળવીએ. સુરત     – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top