Nadiad

જય પાટીલ આપઘાત પ્રકરણમાં નડિયાદ કલેક્ટર કચેરીએ દલિત આગેવાનોનો ઉગ્ર વિરોધ

આરોપીઓની ધરપકડ ન થતાં પ્રશાસન–પોલીસ સામે સૂત્રોચ્ચાર, ચક્કાજામની ચીમકી
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 12
નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં પાંચ દિવસ વીત્યા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે મોટી સંખ્યામાં દલિત આગેવાનો, કાર્યકરો અને પરિવારજનો નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનકારીઓએ પોલીસ અને વહીવટી તંત્ર વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કરી આરોપ મૂક્યો હતો કે તંત્ર જાણીજોઈને આરોપીઓને છાવરી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા અને પ્રશાસન સામે “ન્યાય આપો” અને “આરોપીઓને તરત પકડો” જેવા નારા લગાવી વાતાવરણ તંગ બન્યું હતું.
આ દરમિયાન દલિત આગેવાનો અધિક કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા અને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે ફરિયાદ નોંધાયાને ઘણા દિવસો થયા હોવા છતાં સ્મિત સહિતના મુખ્ય આરોપીઓ અને કોલેજના પ્રોફેસરોની ધરપકડ હજુ સુધી કરવામાં આવી નથી. આગેવાનોનું કહેવું છે કે પોલીસ માત્ર તપાસ ચાલુ હોવાનું કહી સમય પસાર કરી રહી છે.
સમાજના આગેવાનોએ પ્રશાસનને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આવતીકાલે નડિયાદ સહિત જિલ્લાના મુખ્ય માર્ગો પર ચક્કાજામ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોલેજના પ્રિન્સિપાલ, મહિલા પ્રોફેસરો અને સ્મિત નામના શખ્સ સામે એટ્રોસિટી એક્ટ તથા આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. આક્ષેપ મુજબ, વિદ્યાર્થી પર માનસિક દબાણ અને ધમકીઓ અપાઈ હતી, જેના કારણે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જણાવાયું છે. પોલીસ તરફથી તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ધરપકડ ન થતાં મામલો હવે આંદોલનના માર્ગે આગળ વધતો જણાઈ રહ્યો છે.

Most Popular

To Top