વડોદરા : સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજયના ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવાના એક દિવસીય તાલીમ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. વડોદરામાં સરકારી મેડિકલ કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે ૩૦૦૦ જેટલા પોલીસ જવાનોને CPR તાલીમ આપવામાં કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
સી.પી. આર તાલીમની દરેક નાગરિકને જાણ હોવી જરૂરી છે એમ જણાવતાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે,અકસ્માતના સમયે સૌથી પહેલા ઘટના સ્થળે પોલીસ પહોચતી હોય છે.અકસ્માત કે કટોકટીના સમયમાં અને હાર્ટ એટેકમાં જ્યારે કોઈપણ નાગરિકની જાન જોખમમાં આવે છે, ત્યારે સી.પી.આર તાલીમ લીધેલ પોલીસ જવાનો દ્વારા નાગરિકોની જાન બચાવી શકાય છે.મહામૂલી માનવ જિંદગી બચાવવામાં સી.પી.આર તાલીમ કારગત સાબિત થશે.આ સરાહનીય કાર્ય બદલ તેમણે મુખ્ય મંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે શહેર જિલ્લાના નાગરિકોને નજીકની હોસ્પિટલ અથવા આરોગ્ય કર્મીઓ પાસેથી સી.પી.આર ની તાલીમ લેવા અનુરોધ કર્યો હતો.શહેર પોલીસ કમિશનર ડો.સમશેર સિંઘે જણાવ્યું કે, અકસ્માત અને આકસ્મિક સંજોગોમાં ઘણી વખત હાર્ટ એટેકના કેસમાં પોલીસ જવાનોને સી.પી.આર તાલીમ આપેલી હોય તો નાગરિકોના જીવ બચાવી શકાય છે.
વડોદરા પોલીસ સી.પી.આર તાલીમથી તાલીમબદ્ધ થઈ નાગરિકોની વધુ સેવા કરી શકશે જે પોલીસ માટે ગૌરવની બાબત છે.તેમણે ઉમેર્યું કે,ગુજરાત પોલીસ માટે આજે સી.પી.આર ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા શહેરમાં અંદાજે ૩૦૦૦ હજાર જેટલા પોલીસ જવાનોને સરકારી મેડિકલ કોલેજ અને ગોત્રી મેડિકલ કોલેજમાં તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે.તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.સમગ્ર વિશ્વમાં ૦૩ થી ૭૯ ટકા લોકો કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન CPR વિષે જાણતા હોય છે માટે આ CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રસંગે અગ્રણી ડો.વિજય શાહ, સ્થાયી ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ એસ.એસ.જી હોસ્પિટલના અધિક્ષક ડો.રંજન ઐયર, પોલીસ અધિકારીઓ, ડોક્ટર અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા.