દેવ, દાનવો, સૃષ્ટિના રચયિતા બ્રહ્મા,સૃષ્ટિના પાલનકર્તા વિષ્ણુ,નારદજી અન્ય ઋષિઓ મહાદેવ પાસે અમૃત કુંભ મેળવવા માટે શું કરવું તે પૂછવા આવ્યા.સમુદ્રમંથન કરવાનું નક્કી કરવામાં આવ્યું.સમુદ્રમંથન કરવાથી સૌથી પહેલાં વિષ નીકળશે અને તે વિષ દેવાધિદેવ મહાદેવ ગ્રહણ કરશે એ વાતનો પૂર્વાભાસ દેવી પાર્વતીને થયો અને તેઓ ચિંતાતુર થઈ ગયાં.દુઃખી થઇ ગયાં.ભગવાન વિષ્ણુ દેવીના મનની મૂંઝવણ સમજી ગયા અને કહ્યું કે, ‘ દેવી, આપ ચિંતા ન કરો….સમગ્ર સંસારને વિષથી બચાવવાનું કામ મહાદેવ જ કરી શકે તેમ છે અને તમે આદિશક્તિ છો. આપ જ તેમની શક્તિ બનશો.’ મા પાર્વતીએ કહ્યું, ‘નારાયણ, હું શું કરી શકીશ?’ ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, ‘દેવી, આપ ચિંતા ન કરો. તે ક્ષણે તમને ખબર પડી જ જશે કે તમે શું કરી શકશો.’
દેવ અને દાનવો સમુદ્ર કાંઠે આવ્યા. મંદરાચળ પર્વતનો રવૈયો બનાવ્યો.વાસુકિ નાગનું દોરડું અને ભગવાન નારાયણે કુર્માવતાર લીધો અને કાચબો બની પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો.સમુદ્રમંથન શરૂ થયું. થોડી જ વારમાં ભયંકર વિસ્ફોટ થયો અને આંખ જગતને નિસ્તેજ કરતું હળાહળ વિષ બહાર આવ્યું. દેવાધિદેવ મહાદેવ આગળ વધ્યા અને ઝેરને પોતાના હાથોની અંજલિમાં લઇ ગટગટાવી ગયા.આદિશક્તિ પાર્વતી તેમની પાસે ગયાં અને ભગવાન મહાદેવના કંઠ પાસે હાથ મૂકી બોલ્યા, ‘પ્રભુ,આપ સમગ્ર જગતને બચાવવા ઝેર ગટગટાવી ગયા છો. હું તે ઝેરને તમારા કંઠથી નીચે નહિ ઉતરવા દઉં.’ અને મહાદેવે ઝેરને પોતાના કંઠમાં સમાવ્યું અને નીલકંઠ તરીકે ઓળખાયા.
સમુદ્રમંથન આગળ વધ્યું…કામધેનુ,ઐરાવત,મા લક્ષ્મી….વગેરે રત્નો એક પછી એક પ્રગટ થવા લાગ્યાં અને સમુદ્રમંથન પૂરું થાય ને અમૃત કુંભ બહાર આવે તે પહેલાં મહાદેવ ત્યાંથી પોતાના સ્થાન કૈલાસ પર પાછા વળી ગયા.અમૃત દેવોએ ગ્રહણ કરી લીધું.દિવસો વીત્યા. દેવ-અસુર યુદ્ધ થયું.અસુરો હાર્યા.એક દિવસ દેવી પાર્વતી મહાદેવ પાસે આવ્યાં અને પૂછ્યું, ‘પ્રભુ, મનમાં એક પ્રશ્ન છે. તમે જગત આખાના કલ્યાણ માટે ઝેર પી લીધું, છતાં સંસાર કેમ સંપૂર્ણ સુખી નથી.કેમ આ યુદ્ધો અને કલહ અટકતાં નથી. દેવ-દાનવના યુદ્ધ થયા, દાનવોએ પૃથ્વી પર માનવોને રંજાડયા.હવે માનવ પણ માનવનો અને અન્ય પ્રાણીઓનો અને પ્રકૃતિનો દુશ્મન બન્યો છે.
મહાદેવે થોડા વ્યગ્ર મને જવાબ આપ્યો, ‘દેવી, સમુદ્રમંથન વખતે પ્રગટ થયેલું ઝેર તો હું પી ગયો, પણ આ દેવ અને દાનવો કે માનવોના મનમાં એક બીજા પ્રતિ જે વેર, ઈર્ષ્યાનું ઝેર છે તે હું પી શકતો નથી અને જ્યાં સુધી આ ઝેર રહેશે ત્યાં સુધી સૃષ્ટિ પર સંપૂર્ણ સુખ અને શાંતિ નહિ સ્થાપિત થાય.’ અંતરમનમાંથી વેર,ઈર્ષ્યાના ઝેરને દૂર કરો અને સમગ્ર સૃષ્ટિ અને માનવમાત્રને પ્રેમ કરો તો સુખ અને શાંતિ મળશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.