છોટા ઉદેપુરના ચિલીયાવાંટ ખાતે આજે એક આધેડ ઉપર રીંછે હુમલો કરતા આધેડ ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
છોટા ઉદેપુર જીલ્લામાં દીપડા તથા રીંછ જેવા વન્ય જીવોની નોંધપાત્ર સંખ્યા છે. આજે સરહદી ગમાં વાગલવાડા ખાતે એક વૃદ્ધા ઉપર સવારે રીંછે હુમલો કરીને ડાબા હાથે ઈજા પહોચાડી હતી. ત્યારબાદ લગભગ સાડા અગિયાર વાગ્યે ચિલિયાવાંટ ખાતે એક આધેડ ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા છે.
ચિલિયાવાંટ ખાતે ઓકલિયા ફળિયા ખાતે રહેતા ખૂરસિંગભાઈ વીરસિંગભાઈ ધાણક ઘર પાસે સ્નાન કરી રહ્યા હતા. ત્યારે એક રીંછ ત્યાં આવી ગયું હતું. અને સ્નાન કરી રહેલા ખૂરસિંગભાઈ વીરસિંગભાઈ ધાણક ઉપર હુમલો કર્યો હતો. અને પગમાં બચકું ભર્યું હતું. રીંછે બચકું ભરતા ખુરસિંગભાઈએ બૂમાબૂમ કરતા રીંછ ભાગી ગયું હતું. રીંછના હુમલા ઈજા પામેલા ખુરસિંગભાઈને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે એક જ દિવસમાં રીંછ દ્વારા બે અલગ અલગ જગ્યાએ હુમલો કરતા પંથકના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
