લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૬ જૂન સુધીમાં અરજી કરવાની રહેશે
છોટાઉદેપુર: છોટાઉદેપુર અને બોડેલી ખાતેની કુટુંબ અદાલતો માટે કાઉન્સેલરની પેનલ તૈયાર કરવા માટે લાયક વ્યક્તિઓ પાસેથી નિર્ધારિત ફોર્મેટમાં અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી તારીખ ૯ જૂન ૨૦૨૫થી કરી શકાશે. અરજી ભરવાની છેલ્લી તારીખ ૧૬ જૂન ૨૦૨૫ છે. અરજીઓ પ્રાપ્ત થયા બાદ તા. ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ ઇન્ટરવ્યુ યોજાશે.
અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીની સામાજિક વિજ્ઞાન અથવા મનોવિજ્ઞાનની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત સામાજિક કાર્ય, બાળ મનોચિકિત્સા અથવા કૌટુંબિક પરામર્શના કાર્ય અંગેનો બે વર્ષનો અનુભવ હોવો જોઇશે અને સ્વચ્છ છબી ધરાવતા હોવા જોઇશે.
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 15 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ અને 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કાઉન્સેલર તરીકે નિયુક્ત થયેલા ઉમેદવારને સમયાંતરે માનદ વેતન ચૂકવવામાં આવશે. ઉમેદવારે નિયત કારાયેલી ફરજ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવાની રહેશે.
ફોર્મ ૯ જૂન ૨૦૨૫ થી ૧૬ જૂન ૨૦૨૫ દરમિયાન કુટુંબ અદાલત, છોટાઉદેપુરમાં રૂબરૂ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા સબમિટ કરવાના રહેશે. તેમ છોટાઉદેપુર ફેમિલી કોર્ટના રજીસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.