અમદાવાદ RPOને ધમકી ભર્યો મેલ મળતા છોટાઉદેપુર ઓફિસ તાત્કાલિક ખાલી કરાઈ
પોલીસ–ફાયર–SOG સહિતની ટીમો દોડી આવી, તપાસ હાથ ધરાઈ
છોટાઉદેપુર |
છોટાઉદેપુર શહેરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર નગર સહિત આસપાસના વિસ્તારમાં ભારે ખળભળાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. આ ધમકી ભર્યો મેલ **અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસ (RPO)**ને મળતા તરત જ છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે અંદાજે 10:00 વાગ્યાની આસપાસ અમદાવાદ RPO દ્વારા જાણ કરાઈ હતી કે આરપીઓ હેઠળ આવતી તમામ પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સંદર્ભે છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને એલર્ટ આપવામાં આવતા ઓફિસ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી અને કામ અર્થે આવેલા નાગરિકોને બહાર બેસાડવામાં આવ્યા હતા.

પોલીસ અને ફાયર વિભાગની કાર્યવાહી
ધમકીની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ, ફાયર વિભાગ, SOG અને DYSP કે.એચ. સૂર્યવંશીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાસપોર્ટ ઓફિસ પરિસર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા કારણોસર ઓફિસ બંધ રાખવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું.

શહેરમાં ભયનો માહોલ
પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા નગરજનોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ માહિતી મળે તો તરત જ તંત્રને જાણ કરવા અપીલ કરી છે.
રિપોર્ટર,: સંજય સોની