વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી ભુવાની પોલ ખોલાઈ
છોટા ઉદેપુર તાલુકાના પાવીજેતપુર તાલુકાના સટુંન ખાતે ગરીબ આદિવાસી ગ્રામજનોની લાચારી નો લાભ લઈ હાથ પગના દુખાવામાં માલિશ કરી, પાસ થવા માટે બોલપેન મંતરી આપી, ભૂત પ્રેત બાધા માટે દોરા ધાગા કરી પૈસા પડાવતા ભુવા ગણપત નાયકાનો આજે જાથા સંસ્થાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
આ ગણપત નાયકા છેલ્લા 20 વર્ષથી ગરીબ આદિવાસી ગ્રામજનોને દોરા ધાગા કરી હાથ પગ દુખાવામાં મહિલાઓને સ્પર્શ કરી માલિસ કરી આપતો હોવાનું કબૂલ્યું હતું. વિજ્ઞાન જાથા ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા ભૂવો ઝડપાઈ ગયો હતો અને ઘણા વર્ષો થી ભુવાપણાનું કામ કરતો હોવાનું કબૂલી જાહેરમાં માફી માંગી હતી.
જાથા સંસ્થાએ આ ભુવા પાસે જાહેર માં માફી મંગાવી ને પોલીસને સોંપ્યો હતો. હજુપણ અંધશ્રધ્ધામાં જીવતા પંથકના આદિવાસી ગ્રામજનો ભુવા જાગરિયાઓ માં ભારે વિશ્વાસ ધરાવે છે. જેથી જ આવા ભુવાઓ ગરીબ આદિવાસી ગ્રામજનો પાસે રૂપિયા 1000 થી 25000 સુધી ખંખેરી લેતા હોય છે. માત્ર પ્રસાદના નામે બે થી પાંચ હજાર લઈ દોરા ધાગા કરી લાચાર ગરીબો પાસે પૈસા પડાવતા હોય છે.

વિજ્ઞાન જાથા સંસ્થા દ્વારા ભુવાની પોલ ખોલતા સમગ્ર પંથક માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ભુવા જાગરીયા ઓ ગરીબ આદિવાસી પ્રજાની લાચારી નો લાભ લઇ ધૂતી રહ્યા છે. આજ રોજ વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પાવી જેતપુર તાલુકાના સટુંન ખાતે ભુવાનો પર્દાફાસ કરી જાહેરમાં માફી મંગાવી અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી.
