છાણી તળાવના ઓવરફલોથી ઉભી થતી પાણીની સમસ્યા નિવારવા આયોજન
1700 મીટર લાંબી, 4.5 મીટર પહોળી અને 3.5 મીટર ઊંડી RCC ચેનલ તૈયાર કરવાની યોજના
શહેરના ઉત્તર ઝોનમાં ચોમાસાના સમયમાં થતી પૂર જેવી પરિસ્થિતિમાંથી મુક્તિ આપવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમાં છાણી તળાવથી ન્યાસા થઇ નર્મદા કેનાલ સુધીના કાચા કાંસને પાકા બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હવે મંજુર થયો છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-2024-25 હેઠળના આ કામ માટે મહાનગરપાલિકાએ અંદાજિત રૂ. 22.29 કરોડના કામ માટે ટેન્ડર આમંત્રિત કર્યા હતા. પાંચ ઇજારદારોમાંથી ત્રણ ક્વોલિફાય થયા હતા, જેમાં સૌથી ઓછા દર સાથે મેઇન ટેન્ડર કમલા ઇલેક્ટ્રીકલ્સ એન્ડ એન્જીનીયરીંગ કંપનીએ રજૂ કર્યું હતું. કંપનીએ રૂ. 22.29 કરોડના અંદાજ સામે 23.80% ઓછા દરે એટલે કે રૂ. 16.98 કરોડ (+ GST)ના ભાવપત્ર રજૂ કરીને સૌથી નીચા દરની ઓફર આપી હતી. ટેન્ડર સ્ક્રુટિની કમિટીની ભલામણ બાદ કંપનીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે કંપનીએ ગુણવત્તાપૂર્ણ કામગીરીની બાંહેધરી પણ આપી છે.
અત્રે નોંધનીય છે કે, છાણી તળાવના ઓવરફલોથી ઉભી થતી પાણીની સમસ્યાને કારણે ગત ચોમાસે મહત્તમ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેથી તળાવથી નર્મદા કેનાલ સુધીના મુખ્ય વરસાદી કાંસને પાકા RCC ચેનલમાં રૂપાંતરિત કરીને ડાઉનસ્ટ્રીમમાં નિકાલ વ્યવસ્થિત બનાવવાનો હેતુ ધરવામાં આવ્યો છે. આ માટે 1700 મીટર લાંબી, 4.5 મીટર પહોળી અને 3.5 મીટર ઊંડી RCC ચેનલ તૈયાર કરવાની યોજના છે, જે માટે રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એન્ડ પ્રા. લી. દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
ચોમાસુ આવી ગયું, પાલિકાના કામો હજુ ટેન્ડર સ્ટેજે!
વડોદરા શહેરમાં ગત વર્ષે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ પાલિકાની ઢીલી નીતિને પગલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હજુ સુધી ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. જે કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાના આયોજન હતા તે કામો પણ હજુ સુધી ટેન્ડર સ્ટેજ પર છે. જેને પગલે આ વર્ષે વધુ વરસાદ ખાબકે તો ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાશે.