SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58