Dabhoi

ચાંદોદ નજીક ફૂલવાડી ગામડી પાસે પસાર થતા રેલવે ઓવરબ્રિજ પાસે રેત માફિયા બેફામ

માથાભારે માફિયાઓએ એ હદે રેતી ઉલેચી નાખી કે બ્રિજના પાયા બહાર આવી ગયા
રાજકીય ઇશારે ચાંદોદમા કરોડો રૂપિયાની રેત ચોરી, તંત્ર લાચાર.
ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના ઓરસંગ નદીના પટમાં વર્ષોથી કાળો કારોબાર ધમધમે છે. રેતીની લીઝ ભાડે લઈને કરોડો રૂપિયાની ઉલેચાતી સફેદ રેતી રોકવા માટે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. તાલુકાના કરનાળી ફૂલવાડી શણોર પીપરીયા ભાલોદરા જેવા ગામના નદી તટે તો રાત્રી દરમિયાન ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. ડભોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ રેલવેના નિર્માણ સમયે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામડી પાસેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર રેલ્વે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે.
રેલવેબ્રિજ નીચે જ ઓરસંગ નદીના પટમા પાયા ઊભા કરવામાં આવ્યા છે. રેત માફીયાઓ માટે મોકળું મેદાન હોય તેમ બેરોકટોક રાત દિન રેતી ઉલેચીને ગેરકાયદે રેતીનું વહન નાના મોટા વાહનો દ્વારા થઈ રહ્યું છે . એ હદે ખનન થયું છે કે રેલવે ઓવરબ્રિજના પાયા સુદ્ધાં બહાર આવી ગયા છે.અનેકવાર ખાણ ખનીજ ના વિભાગ ના અધિકારીઓ દરોડા પણ પાડ્યા છે અને છાપા મારીને કડકાઈભરી કાર્યવાહી કરી છે. છતાં ટૂંક સમયમાં જ પુનઃ કરોડોનો કાળો કારોબાર ધમધમવા લાગે છે . એક તરફ સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટી મળતી બંધ થતા સરકારી તિજોરીને નુકશાન થાય છે તેની બીજી તરફ રેત માફીયાઓ માલેતુજાર બનતા જાય છે. નાણાના જોરે તંત્ર સામે ખૂલ્લી દાદાગીરી પણ કરે છે.
ખાસ ઉલ્લેખનીય બાબત તો એ છે કે વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો આજ રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે હવે આ જ બ્રિજ ના પાયા બહાર આવી ગયા છે. રેલવે તંત્રએ આ ઘટનાને ગંભીરતા પૂર્વક સત્વરે ધ્યાને લઈને રેત માફીયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.ગંભીર બની ચૂકેલી પરિસ્થિતિની ઊંડી ચકાસણી અને નિરીક્ષણ હાથ ધરાવુ અનિવાર્ય છે. આડેધડ રેતી ખનન ના પાયાને નુકશાન થવાથી રેલ પસાર થતા સમયે જ દુર્ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોણ? કોઈ પણ પ્રકારની અકસ્માતની ઘટના પૂર્વે રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરીને ગેરકાયદે બદીને કાયમી ડામી દેવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને આવા તત્વોને જેર કરવા જોઈએ તે પણ અત્યંત આવશ્યક થઈ ૫ડયું છે

Most Popular

To Top