Business

ચર્ચાપત્રોનો નવો આયામ- ચિંતા નહીં, ચિંતન

જ્યારે નવાં નવાં ચર્ચાપત્રો લખતાં થયેલાં ત્યારે ચર્ચાપત્રો છપાય એની એક અજબ પ્રકારની ઉત્કંઠા અને તાલાવેલી હતી. છપાય તેનો તો જાણે આનંદ આનંદ થઇ જતો.પહેલાં કોઈ એક ચર્ચાપત્રીનું ચર્ચાપત્ર છપાય તેની પાછળ ચર્ચા પણ સારી એવી થતી.પહેલાં ચર્ચાપત્રોમાં શહેરની સમસ્યાઓ ( જે ફરિયાદ સ્વરૂપની હતી) તેનો વધુ ઉલ્લેખ થતો  અને ઉકેલ પણ આવતો. આજે દેશ અને દુનિયાની વધુ ચર્ચા થાય છે. જગતમાં સુખસમૃદ્ધિ વધી ,ઉપકરણો વધ્યાં ,નાહક ચિંતા વધી , ચર્ચાનું સ્થાન ચિંતને લીધું તેથી ચિંતનાત્મક પ્રકારનાં પત્રો વધ્યાં.અંગ્રેજી માધ્યમનાં ક્રેઝ અને યુવા પેઢીનાં શિક્ષણેતર વાચન ઘટી જવાને પરિણામે લખવા પર તેની અસર વર્તાઇ. યુવા ચર્ચાપત્રીઓ ઘટ્યાં.જૂના જોગીઓ વર્ષોથી આ કૉલમને નવો આયામ અને મુકામ આપી રહ્યાં છે. હવે પછીની પેઢીને તો વર્તમાનપત્રો વાંચવાનો મહાવરો ન હોવાને કારણે કદાચ ચર્ચાપત્ર શું છે તે પણ ખબર નહીં હોય.
સુરત     – વૈશાલી શાહ      -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મ.ન.પા. ધારે તો
સુરત મ.ન.પા.માં પણ મનુષ્યો જ બેઠા છે. તેઓ ધારે તો ઘણું કરી શકે છે અને સાચેસાચ સુરત નં. 1નો ખિતાબ મેળવી શકે છે. મ.ન.પા.માં આરોગ્ય અને સ્વચ્છતાનો વિભાગ છે. સમાચારમાં જાણવા મળે છે કે સુરત મ.ન.પા.નાં અધિકારીઓએ ફકત બે દિવસમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી 5.54 લાખ રૂપિયા ભેગા કર્યા. 4400 લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા. કાયમ અસ્વચ્છ રહેતાં સુરત શહેરને રાજ્ય સરકારની ટીમ સુરત નં. 2નો ખિતાબ વર્ષોથી આપે છે તે કઇ રીતે આપે છે તે નવાઇની વાત છે. બે દિવસમાં 18 સ્કવોડ ઉતારી ઘણા બધા રૂટો પરથી ગંદકી કરનારાઓને પકડી અધધધ રૂપિયા ભેગા કર્યા.

પરંતુ દીવા નીચે અંધારાની જેમ આવનારા દિવસોમાં મ.ન.પા.ના સ્વચ્છતા વિભાગનાં અધિકારીઓ ફાફડા, જલેબી અને હવે પોંક ઉડાવતા થઈ જશે. શહેરમાં અસ્વચ્છતા ભલે કાયમ રહે. પરંતુ તેઓ ધારે તો વધુ સ્કવોડોની ભરતી કરી શહેરના રૂટો પર ફરતા રાખી સુરતને કાયમનું સ્વચ્છ રાખી શકે છે. કેમ નથી કરતાં તે નવાઇની વાત છે. પ્રજાના પૈસે જ બધું કરવાનું હોય છે. પ્રજા પાસે તો જાતજાતનાં લેબલોના વેરા લેવાના હોય છે અને પોતે તો ખાણીપીણીમાં જ મસ્ત રહેવાનું હોય છે! સુરત મ.ન.પા.ના કમિશનરે એ ધ્યાન આપવાની વિનંતી.
સુરત     – ડો. કે.ટી. સોની   -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top